ધોરાજીમાં ખૂલ્લી ગટર જોખમી: પિતા-પુત્ર પડી જતાં ઘાયલ

ધોરાજી, તા. 13: ધોરાજીમાં ભૂગર્ભ ગટરનાં અણઘડ કામો કોઇ નવી વાત નથી ભૂગર્ભ ગટરનાં ખોદકામ સમયે પણ અનેક રાહદારીઓ અને વાહન ચાલકો ખાડામાં પડયા હતા. ભૂગર્ભ ગડરની સમસ્યા આજે પણ જેમની તેમ જ છે. સ્ટેશન પ્લોટ ખાતે પેઇન્ટીંગની દુકાન ધરાવતા ભૂપેન્દ્રભાઇ છગનભાઇ કુકડીયાનો પુત્ર ચીરાગ કુકડીયા પોતાના ઘરેથી મહેંદીવાડી વિસ્તારમાં સામાજિક કામે જઇ રહ્યો હતો. જેમાં તેનું જ મોપેડ ભૂગર્ભ ગટરની ખુલી કુંડીમાં પડતા મોઢાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ બનાવની તેમના પિતા ભૂપેન્દ્રભાઇને જાણ થતાં તેઓ તાત્કાલીક અન્ય મોપેડ પર બનાવ સ્થળે જતા હતા એ દરમિયાન તે પણ અન્ય ભૂગર્ભ ગટરની ખુલી કુંડીમાં પડતા તેમને પગનાં ભાગે ઇજા થઇ હતી. આ બનાવ બનતા આસપાસનાં રહીશોએ બન્ને પિતા-પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.
ધોરાજીમાં ભૂગર્ભ ગટર યોજનાનાં નબળા અને અણઘડ કામોને હિસાબે નગરજનો હજુ પણ અનેકવિધ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગટરનાં પાણી ભરાતા હોય અને શેરીઓમાં ગંદકી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer