શહીદોને વિદાય આપતાં કાશ્મીરીઓની આંખમાં આંસુ

શહીદોને વિદાય આપતાં કાશ્મીરીઓની આંખમાં આંસુ
કુપવાડામાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લાગ્યા
કુપવાડા, તા. 13 : સુંજવાન લશ્કરી કેમ્પમાં થયેલા આતંકવાદી હુમલામાં છ જવાનો શહીદ થયા છે. આ છમાંથી એક શહીદ મોહમ્મદ અશરફ મીરની અંતિમયાત્રા આજે જ્યારે તેમના ઘર કુપવાડામાંથી કાઢવામાં આવી તો આસપાસનાં ગામોમાંથી હજારો લોકો જોડાયા હતા. આ સિવાય અનંતનાગ અને ત્રાલમાં પણ શહીદોની યાત્રામા માનવ મહેરામણ ઊમટી  પડયું હતું. કુપવાડાના લોકોએ  પોતાના જવાનની શહાદત માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવતાં ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. શહીદ માટે પરિવાર ઉપરાંત દોસ્ત, સંબંધીઓ, પડોશીઓ, જાણતાં-અજાણતાં તમામ લોકો આંસુ વહાવતા દેખાયા હતા. આ ભીડમાં મોટાભાગના લોકોને અશરફ મીર સાથે સીધો સંબંધ નહોતો, પરંતુ દેશ માટે મરી મીટનારા જવાનોને સમગ્ર શહેરે પોતાના માની વિદાય આપી હતી. દુ:ખની આ ઘડીમાં લોકોમાં ગુસ્સો પણ નજરે પડતો હતો. એ પાકિસ્તાન માટે ગુસ્સો ફાટી નીકળ્યો હતો જે દાયકાઓથી કાશ્મીરમાં દહેશતનું ષડ્યંત્ર રચી રહ્યું છે.
લોકોમાં પાકિસ્તાનને લઈને ગુસ્સો એવી રીતે દેખાયો હતો કે જો આ ગુસ્સો ’આતંકપ્રેમી’ પાકિસ્તાનના સત્તાધીશો જોઈ લે તો હોશ ઠેકાણે પડી જાય. અહીં સુંજવાન હુમલામાં શહીદ જવાનોમાં છમાંથી પાંચ જવાનો કાશ્મીરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer