જામનગરની નવાનગર બેંકની ઉચાપતમાં અન્યોને પણ છાંટા ઉડે તેવી સંભાવના

કેશિયરે ઉચાપતની રકમ ચૂકવી તે 3 વ્યક્તિ પાસેથી 33.50 લાખ કબજે
જામનગર, તા.11: જામનગરની સહકારી ક્ષેત્રની અગ્રણી ધી નવાનગર કો-ઓપરેટિવ બેંક લિ.માં કેશિયર દ્વારા કરાયેલી રૂ.43.54 લાખની છેતરપિંડી પ્રકરણમાં પોલીસે આરોપીએ જેને રકમ ચૂકવી હતી તે જામનગર-રાજકોટની વ્યક્તિઓ પાસેથી રૂ.33.50 લાખની રકમ કબજે  કરી છે.
ધી નવાનગર કો-ઓપ.બેંકની દરેડ શાખાના કેશિયર તેજશ મહેન્દ્રભાઈ સંઘવી સામે રૂ.43.54 લાખની રકમ બેંકમાંથી ઉપાડી લઈ બેંક સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી ચાર દિવસની રિમાન્ડ ઉપર લીધો છે.
આ રિમાન્ડ દરમિયાન પી.એસ.આઈ. જે.બી.ખાંભલાએ પૂછપરછ કરતા તેજશ સંઘવી શેરબજારના ટ્રેડિંગમાં નુકસાન જતાં રકમ ઉપાડી હોવાનું અને જામનગર-રાજકોટની ત્રણ વ્યક્તિઓને રૂ.41 લાખની રકમ ચૂકવી હોવાનું અને બાકીની રકમ પોતાની પાસે રાખી હોવાનું કબૂલ કર્યું હતું.
પોલીસે તેજશ સંઘવીએ જેને રકમ ચૂકવી હતી તે જામનગરમાં ભોયવાડામાં રહેતા વસંત શાંતિલાલ જેઠવા પાસેથી રૂ.15 લાખ, રાજકોટના ચિંતન પારેખ પાસેથી રૂ.18 લાખ તથા તેજશ સંઘવીએ પોતાના બેંકના ખાતામાં રાખેલી રૂ.50 હજાર મળી કુલ રૂ.33.50 લાખની રકમ કબજે કરી છે.
આ પ્રકરણમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ અન્ય અધિકારી-કર્મચારી સામે પણ પગલાં લેવાય તેવી શક્યતા સંબંધિત વર્તુળોમાંથી જાણવા  મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer