દ. આફ્રિકા સામે રોહિતની શાનદાર સદી

દ. આફ્રિકા સામે રોહિતની શાનદાર સદી
રોહિત શર્માની સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકાને આપ્યું 275 રનનું લક્ષ્યાંક
 
પોર્ટ એલિઝાબેથ, તા. 13: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પાંચમી વનડેમાં ભારતીય ટીમે આફ્રિકા સામે 274 રનનો જુમલો ખડક્યો હતો. સતત નિષ્ફળ રહેલા રોહિત શર્માએ આજે આફ્રિકા સામે ફરી એક વખત પોતાના બેટ વડે ટીકાકારોને જવાબ આપતા તોફાની સદી ફટકારી હતી. રોહિત શર્માએ ફોર્મ પરત મેળવતા આજે 126 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 115 રન કર્યા હતા. આ ઉપરાંત શિખર ધવને 34 રન ફટકાર્યા હતા અને દક્ષિણ આફ્રિકાને જીત માટે 275 રનનું લક્ષ્યાંક આપ્યું હતું.
પોર્ટ એલિઝાબેથમાં રમાઈ રહેલી 6 વનડે શ્રેણીની પાંચમી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી ઓપનિંગમાં ઉતરેલા શિખર ધવને મજબૂત શરૂઆત અપાવતા 23 બોલમાં 34 રન ફટકાર્યા હતા. શિખર ધવન 8મી ઓવરમાં રબાડાની બોલિંગમાં આઉટ થયો હતો. બીજી તરફ રોહિત શર્માએ સ્કોર આગળ ધપાવતા ફોર્મ પરત મેળવ્યું હતું અને 115 રન ફટકાર્યા હતા. આ ઈનિંગમાં રોહિતે 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન બાદ મેદાનમાં આવેલા વિરાટ કોહલીએ 36 રન કર્યા હતા જો કે રનઆઉટ થઈને કોહલી પેવેલિયન પરત ફર્યો હતો. એક સમયે ભારતનો સ્કોર 300 ઉપર જશે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે રોહિત શર્માની વિકેટ બાદ સમયાંતરે વિકેટો જતાં ભારત નિયત 50 ઓવરમાં 7 વિકેટે 274 રન કરી શક્યું હતું.  આફ્રિકા તરફથી ફરી એક વખત લુન્ગી નગીડી સફળ બોલર સાબિત થયો હતો અને 9 ઓવરમાં 51 રન આપીને ચાર વિકેટો ખેડવી હતી. આ ઉપરાંત રબાડાએ 1 વિકેટ લીધી હતી.
આફ્રિકામાં 400 રન કરનારો પહેલો ભારતીય બન્યો કોહલી
દક્ષિણ આફ્રિકા સામે રનઆઉટ થતાં કોહલી મોટી ઈનિંગ ન રમી શકવા છતાં એક રેકોર્ડ કર્યો છે. 6 મેચની વનડે સિરીઝમાં વિરાટ કોહલીએ જોરદાર બેટિંગ કરતા 143ની એવરેજથી 429 રન કર્યા છે. આ સાથે દક્ષિણ આફ્રિકા સામે તેની જ જમીન ઉપર એક વન ડે સિરીઝમાં 400 રન પૂરા કરનારો પહેલો ભારતીય બેટધર બન્યો છે. વિરાટ કોહલીએ આ સિરીઝમાં અત્યાર સુધીમાં 35 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે અને બે સદી પણ કરી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer