ઘંટેશ્વર પાસે ટ્રક અડફેટે બાઈકસવાર પ્રૌઢ-યુવાનના મૃત્યુ

ઘંટેશ્વર પાસે ટ્રક અડફેટે બાઈકસવાર પ્રૌઢ-યુવાનના મૃત્યુ

રાજકોટ, તા.1ર : જામનગર હાઈવે પરના ઘંટેશ્વર એસ.આર.પી.કેમ્પ પાસે પુરઝડપે ધસી આવેલા ટ્રકે બાઈકને હડફેટે લેતા પેડક રોડ અને દુધસાગર રોડ પરના વિસ્તારમાં રહેતા પ્રૌઢ અને યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજયા હતા. આ બનાવના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ જતા પોલીસ દોડી ગઈ હતી અને ભારે જહેમતના અંતે ટ્રાફિક પુન: કાર્યરત કરાવ્યો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, પેડક રોડ પરના ગાંધી સ્મૃતિ-1માં રહેતા દિલીપભાઈ અરજણભાઈ પીઠવા (ઉ.પ0) અને દુધસાગર રોડ પરના અમરનગર મફતીયાપરામાં રહેતા રાજેશ બાબુભાઈ બાબરીયા (ઉ.30) નામના બન્ને વ્યકિત બાઈક પર બેસી રાત્રીના જામનગર રોડ પરના ઘંટેશ્વર એસ.આર.પી.કેમ્પ પાસેથી પસાર થતા હતા ત્યારે પુર ઝડપે ધસી આવેલા ટ્રકે બાઈકને હડફેટે લેતા બન્ને ફંગાળાયા હતા અને માથામાં અને શરીરે ગંભીર ઈજા થવાથી કરુણ મૃત્યુ નિપજયા હતા. આ બનાવ અંગેની જાણ થતા ફોજદાર કે.જે.વાધોશી તથા રાઈટર ગીરીરાજસિહ જાડેજા સહિતનો સટાફ દોડી ગયો હતો અને બન્નેના મૃતદેહો પીએમ અર્થે ખસેડયા હતા અને બન્ને પરિવારજનોને જાણ કરી હતી.
આ અકસ્માતના પગલે બન્ને તરફ ભારે ટ્રાફિક જામ થઈ જતા ટ્રાફિક પોલીસ પણ દોડી ગઈ હતી અને ટ્રાફીક વ્યવહાર પુન: કાર્યરત કરાવ્યો હતો. જયારે અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક રેઢો મુકી નાસી છુટયો હતો. પોલીસે ચાલક વિરુધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer