વાવડીમાં ગેરકાયદે ધમધમતો ભંગારનો ડેલો : આગજનીની ભીતિ !

વાવડીમાં ગેરકાયદે ધમધમતો ભંગારનો ડેલો : આગજનીની ભીતિ !

વાવડી ઈન્ડસ્ટ્રીયલ એરિયા, વાવડીથી ગોંડલ રોડ પર જતાં મેઈન રોડ પર ફાલ્કન પમ્પસ પ્રા.લી. પાછળ કેટલાક અસામાજિક અને માથાભારે તત્વો દ્વારા મનપાની જગ્યા પર અનધિકૃત રીતે દબાણ કરી મોટાપાયે જમીન વાળી લેવામાં આવી હોવાની ફરિયાદ વાવડી ઈન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીને કરવામાં આવી છે.
કમિશનરનું ધ્યાન દોરતા વાવડી ઈન્ડસ્ટ્રીયલ એસો.એ જણાવ્યું છે કે, ફાલ્કન પમ્પસ પ્રા.લી.ની પાછળ કેટલાક દબાણકર્તાઓએ મનપાની જમીન પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે. આ માથાભારે શખસો લાકડા તથા પ્લાસ્ટીકના ભંગારનો હજારો ટનનો ધંધો કરે છે જેથી વાવડી ગામ તથા આસપાસની નાની-મોટી ફેક્ટરીઓને અડીને હજારો મણ જ્વલનશીલ પ્લાસ્ટીક ક્રેપ અને લાકડાનો ક્રેપનો જથ્થો મનપાની ખુલ્લી જગ્યામાં ખડકાયો છે.
એસો.એ વધુમાં ઉમેર્યુ છે કે, આ દબાણ પાસે જ એટલે કે, 10થી 15 ફૂટના અંતરે મનપાના માણસો કચરો સળગાવતા હોઈ એ કચરાની આગ જો ભૂલથી પ્લાસ્ટીક તથા લાકડાના જથ્થા સુધી પહોંચી જશે તો એ આગને કોઈપણ કાળે બુઝાવી શકાશે નહીં. જાનમાલની મોટાપાયે નુકશાનીની સાથોસાથ અનેક મજૂરો, ગામલોકો તેમજ ફેક્ટરી કારીગરોના જીવ જોખમમાં મૂકાઈ જશે જેની જવાબદારી ખુદ મનપાની રહેશે. આ અનઅધિકૃત દબાણને તાત્કાલિક દૂર કરવા વાવડી ઈન્ડસ્ટ્રીયલ એસો દ્વારા અંતમાં માંગણી કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer