ભીમનગરના બેપતા છાત્રની લાશ ઇટાળાના ડોંડી ડેમમાંથી મળી

ભીમનગરના બેપતા છાત્રની લાશ ઇટાળાના ડોંડી ડેમમાંથી મળી

સેલ્ફી લેતી વખતે પાણીમાં ડૂબી ગયો’તો: મિત્રો અને રિક્ષાચાલકની પૂછપરછના અંતે લાશ મળી
રાજકોટ, તા. 12: નાનામવાના ભીમનગરમાં રહેતા અને કાલાવડ રોડ પર પરીશ્રમ સ્કૂલમાં અભ્યાસ કરતાં તથા ગઇકાલ બપોરથી બેપતા બની ગયેલા 15 વર્ષના હિતેષ કિશોરભાઇ મકવાણા નામના છાત્રની લાશ પડધરીના ઇટાળા ગામ પાસેના ડોંડી ડેમના પાણીમાંથી મળી આવી હતી. આ છાત્રનું સેલ્ફી લેતી વખતે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
ભીમનગરમાં રહેતો હિતેષ મકવાણા ગઇકાલે બપોરે દોઢેક વાગ્યાના સુમારે ઘેરથી નિકળ્યો હતો. તે પાડોશમાં રહેતાં અને પડધરીના પાંભર ઇંટાળા ગામે આશ્રમનું સંચાલન સંભાળતા ભરવાડ આધેડના બે પુત્ર, એક દલિત શખસ સાથે રિક્ષામાં બેસીને ગયો હતો. રાતના દસેક વાગ્યા સુધી તે પરત નહી આવતા સેન્ટીંગનું કામ કરતાં પિતા કિશોરભાઇ, માતા આલુબહેન સહિતના પરિવારજનોએ તેની શોધ આદરી હતી. પણ ભાળ મળી ન હતી. આથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે છાત્ર સાથે રિક્ષામાં ગયેલા બે ભરવાડ ભાઇ સહિત ત્રણની પૂછપરછ કરી હતી.
પોલીસની પૂછપરછ અને તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, તેઓ રિક્ષામાં પડધરીના પાંભર ઇંટાળા ગામ પાસેના ડોંડી ડેમ પર ગયા હતાં. ડેમ પર મોબાઇલ ફોનથી સેલ્ફી લેતી વખતે હિતેષ મકવાણા ડેમના પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ બચાવી શકયા ન હતાં. આથી ડરના માર્યા ભાગી ગયા હતાં. આ વિગતના આધારે છાત્ર હિતેષના પરિવારજનો અને પોલીસ ડોંડી ડેમ પર પહોંચી હતી અને રાજકોટ ફાયરબ્રિગેડના જવાનોની મદદ લીધી હતી. ડેમના પાણીમાંથી છાત્રની લાશ મળી આવી હતી. આ છાત્રના મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પેનલ ડૉકટર પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.
છાત્રની લાશનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ તેનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાનો અભિપ્રાય આપ્યો હતો. મૃતકના પિતા કિશોરભાઇ મકવાણાએ એવો આક્ષેપ કર્યો હતો કે, સાંજના છ વાગ્યાના સુમારે રિક્ષાચાલક મયુર આહિર મળ્યો હતો. ત્યારે તેણે ભરવાડ સહિતના છોકરાંઓને પ્રેમમંદિર પાસે ઉતારી દીધાનું જણાવ્યું હતું. રાતના દસ વાગ્યા બાદ રિક્ષાચાલક ગુમ થઇ ગયો છે. તે આ ઘટના અંગે કંઇક જાણે છે તે મળશે અને તેની પૂછપરછ કરાશે તે પછી જ પુત્રની લાશનો સ્વીકાર કરીશુ. પોલીસની સમજાવટના અંતે લાશનો સ્વીકાર કરાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer