માસુમ બાળાના વાસનાભૂખ્યા હત્યારાના સગડ મળતા નથી

માસુમ બાળાના વાસનાભૂખ્યા હત્યારાના સગડ મળતા નથી

આઠ-આઠ ટીમ કામે લાગી છે: સીસીટીવીના ફુટેજ પરથી ભાળ નહી મળતા હવે રેખાચિત્રના આધારે તપાસ: પરપ્રાંતીય જ હોવાની શંકા રાજકોટ, તા. 12: ત્રણ વર્ષની માસુમ બાળાનું અપહરણ કરી વાસનાનો શિકાર બનાવીને કરાયેલી હત્યાથી હાહાકર મચી ગયો છે અને વૃધ્ધા અને બાળકોની સલામતિ અંગે સવાલો ઉઠી રહ્યા છે.ખીલે બાંધેલી બકરી જેમ ગોળ ગોળ ફર્યા રાખે તેમ તપાસ ફરી રહી છે. ત્યારે અપહૃત બાળકીની લાશ મળી આવ્યાને ચોવીસ કલાક જેવો સમયગાળો વિતી ગયો હોવા છતાં વાસનાભુખ્યા હત્યારાના કોઇ સગડ મળ્યા નથી. સીસીટીવી કેમેરાના ફુટેજ પરથી પણ હત્યારાની ભાળ નહી મળતા હવે રેખાચિત્રના આધારે તપાસ કરવાનો વ્યુહ અપનાવાયો છે. બારથી વધુ શખસની પુછપરછના અંતે કોઇ પરપ્રાંતિય શખસ સંડોવાયાની શંકા વ્યકત થઇ રહી છે.
શુક્રવારે બપોરે આદીવાસી પરિવારની ત્રણ વર્ષની એકની એક પુત્રીનું અપહરણ થયા બાદ ગઇકાલે રવિવારે પીટીસીના મેદાનમાં આવેલા અવાવરૂ મકાનના રૂમમાંથી તેની નિર્વત્ર લાશ મળી આવી હતી. અપહૃત બાળાને બેરહેમીથી પીખી નાખ્યા બાદ પથ્થરના ઘા મારીને ક્રુર હત્યા કરાયાનું ખુલ્યું હતું.પોલીસ માટે પડકારરૂપ બની ગયેલા આ અપહરણ, દુષ્કર્મ અને હત્યાનો ભેદ ઉકેલવા માટે એક બે નહી પણ આઠ આઠ ટીમની રચના કરવામાં આવી છે. હેવાનિયતભરી ઘટનાનો ભેદ ઉકેલવા માટે ગંજીવાડાથી મૃતદેહ મળી આવ્યો તે અમુલ સર્કલ પાસેના પીટીસી ગ્રાઉન્ડ સુધીના સીસીટીવી કેમેરાના ફુટેજનો અભ્યાસ કરાયો હતો. ફુટેજ પરથી બાળાએ એક શખસ રિક્ષામાં બેસાડી જતો હોવાનું નજરે પડયું હતું. જયારે અમુલ સર્કલ પાસે રિક્ષામાં માત્ર રિક્ષાચાલક એકલો જ દેખાયો હતો. તેના પરથી બાળકીને લઇને એ શખસ રસ્તામાં ઉતરી ગયાનું અનુમાન કરવામાં આવ્યું હતું.પોલીસે રિક્ષાચાલકને શોધી કાઢયો હતો. તેણે એવું જણાવ્યું હતું કે, એક શખસ બાળકી સાથે  ચુનારાવાડ પાસેથી રિક્ષામાં બેઠો હતો. તે ગંજીવાડા પાસે ઉતરી ગયો હતો. એ શખસના સગડ મેળવવા કરાયેલા પ્રયાસને સફળતા મળી ન હતી. પોલીસે રિક્ષાચાલક પાસેથી વર્ણન મેળવીને એ શખસની ભાળ મેળવવા કવાયત શરૂ કરી છે. એટલુ જ નહી પણ ચુનારાવાડ અને આસપાસના વિસ્તારમાંથી કેટલાક શખસોની અટકાયત કરીને આગવી ઢબે પુછપરછ પણ કરી હતી. પરંતુ કોઇ કડી મળી ન હોવાનું જણાવાય છે. આ બનાવમાં કોઇ સ્થાનિક શખસની સંડોવણી હોય તો બાતમીદારો મારફતે તેના સગડ મળી જાય, પરંતુ આ બનાવમાં કોઇ પરપ્રાંતિય શખસની સંડોવણી હોવાની શકયતા વધુ હોય તેમ જણાય છે. બાળકીને લઇને રિક્ષામાં બેઠેલા શખસના ફોટા કાઢીને રેલવે અને બસ સ્ટેશન પર તપાસ શરૂ કરવામાં આવી છે અને બનાવના બીજા દિવસે ફુટેજમાં દેખાતો હોય તેવો શખસ બસ કે ટ્રેન મારફતે નાસી ગયો નથી ને તેની માહિતી મેળવવા પ્રયાસ ચાલે છે.આ ઉપરાંત બાળકીના માવતરને કોઇની સાથે વાંધો તકરાર હતી કે કેમ? બાળકી ગુમ થયાની જાણ કેવી રીતે અને કોણે કરી તેના સહિતના સવાલોના જવાબ મેળવવા પ્રયાસ ચાલે છે. હાલમાં આઠ-આઠ ટીમ દ્વારા તપાસ ચાલી રહ્યાનું અને ટૂંક સમયમાં ભેદ ઉકેલાઇ જશે તેવો આશાવાદ પોલીસ વ્યકત કરી રહી છે.
એ મકાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો છે
અપહૃત બાળાની જે સ્થળેથી લાશ મળી આવી હતી તે અવાવરૂ મકાન નશાખોર અને અસામાજીક તત્વોનો અડ્ડો છે. આ સ્થળે ખૂનના પાંચેક બનાવ પણ બન્યા છે.સમી સાંજ અને રાતના સમયે એ મકાન પાસેથીપસાર થવામાં લોકોને ડર લાગે છે. તેનો લાભ નશાખોર શખસે હવસ સંતોષવા માટે કર્યો હોવાનું અને એ શખસ એ મકાનનો જાણકાર હોવાનું અનુમાન કરવામાં આવે છે.
પોલીસ પણ એ મકાનમાં તપાસાર્થે ગઇ ન હતી
બાળાનું અપહરણ થયાની જાણ થયા બાદ પોલીસ દ્વારા તેની શોધ શરૂ કરવામાં આવી હતી. રાતના સમયે પીટીસીના ગ્રાઉન્ડમાં આવેલા એ અવાવરૂ મકાન સુધી પોલીસ ગઇ હતી. પરંતુ મકાનમાં જઇને તપાસ કરવાની પોલીસે પણ હિંમત કરી ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
બાળકીની હત્યાનો કેંગ્રેસ, શિવસેના દ્વારા વિરોધ
શહેરમાં ત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરીને, દુષ્કર્મ આચરીને, હત્યા કરવાના બનાવના વિરોધમાં શહેર કેંગ્રેસ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને ગાંધીજીની પ્રતીમા પાસે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જ્યારે શિવસેના દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદન આપીને શહેરમાં વકરેલી ગુનાખોરી ડામવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. (નિશુ કાચા)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer