પોલીસના વર્તનના વિરોધમાં વીંછિયા બંધ રહ્યું

વીંછિયા, તા.12: વીંછિયામાં વેપારીઓને સાથે રાખી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયેલા ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા સહિતના આગેવાનોની રજૂઆત સાંભળવાના બદલે આ ધર્મશાળા નથી, તેમ કહી અપમાનિત કરાતા તેના વિરોધમાં ગામ બંધનું એલાન અપાયું હતું. સોમવારે સવારે અડધો દિવસ ગામ બંધ રહ્યું હતું.
રવિવારે રાત્રે વેપારી એસોસિએશનના નામે બંધનું એલાન અપાયું હતું અને ગામમાં બોર્ડ મારી દેવાયું હતું. આથી સોમવારે સવારથી બપોર સુધી મુખ્ય બજાર, મોચી બજાર, બસસ્ટેન્ડ રોડ, પંચાયત કચેરી રોડ પર ચા- પાનના ગલ્લા સહિત બંધ રહ્યા હતા.  બનાવની વિગત એવી છે કે વીંછિયા તાલુકાના લાખાવડથી વીંછિયા નોકરી માટે આવતા કોળી યુવાનને પોલીસે કોઈ કારણોસર માર માર્યો હતો. બે દિવસ પહેલાના આ બનાવમાં વીંછિયાના વેપારીઓઁ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને સાથે રાખી રજૂઆત માટે પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં પીએસઆઈએ રજૂઆત સાંભળવાના બદલે આ ધર્મશાળા નથી, બહાર નીકળો તેમ કહી દેતા વેપારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. ધારાસભ્યની રજૂઆત પણ પોલીસ તંત્ર સાંભળી શકતું ન હોવાથી સામાન્યજનને કોણ સાંભળશે તે પ્રશ્ન વેપારીઓએ ઉઠાવી વિરોધમાં સોમવારે ગામ બંધનું એલાન અપાયું હતું.  રવિવારે રાત્રે કરાયેલી જાહેરાતથી સોમવારે ગામ બંધ રહેતા ગામડામાંથી હટાણે આવતા લોકોને ધક્કો થયો હતો. જો કે બપોરે 2 વાગ્યા બાદ બજાર ખુલ્લી ગઈ હતી. પણ મોટાભાગના વેપારીઓ બહારગામ નીકળી જતાં બજારમાં સુમસાન લાગતું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer