લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનનું ભૂમિ પૂજન: આગામી બે વર્ષમાં નિર્માણ થશે

સોમનાથમાં નિર્માણ પામશે ‘ખોડલધામ અતિથિ ભવન’
તુલસીભાઈ તંતી, કેશુભાઈ પટેલ, નરેશભાઈ પટેલની ઉપસ્થિતિ
રાજકોટ, તા.12 : વેરાવળ- સોમનાથ ખાતે 10 વિઘા જમીનમાં નિર્માણ થનાર લેઉવા પટેલ ભવનના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત મુખ્ય દાતા સુઝલોન ગ્રુપના ચેરમેન તુલસીભાઈ તંતી અથિતિભવનને પોતાનું નામ આપવાના બદલે ખોડલધામ અતિથિભવન નામ આપવા કહ્યું હતું. જેને સૌ કોઈએ તાલીઓના નાદ સાથે વધાવી લીધું હતું. આ ભૂમિપૂજન પ્રસંગે મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો હાજર રહ્યા હતા. આ અતિઆધુનિક કક્ષાનું અતિથિભવન નિર્માણ કરનાર પરેશભાઈ ગજેરા અને તેમની ટીમને સૌ કોઈએ અભિનંદન પાઠવ્યા હતા.
પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, સોમનાથમાં અતિઆધુનિક અતિથિભવન નિર્માણ કાર્યમાં જરૂરી રકમ દાતાઓએ ભૂમિપૂજન પ્રસંગે જ દાનની જાહેરાત કરતા એકત્રિત થઈ છે. જેના કારણે 24 મહિનામાં સોમનાથમાં ભવન નિર્માણ કાર્ય પૂર્ણ થશે. સોમનાથમાં આવતા ભાવિકોને 24 મહિનામાં સુવિધાયુક્ત ભવનનો લાભ મળતો થઈ જશે.
વેરાવળ સોમનાથ ખાતે લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ભૂમિપૂજનની પૂર્વ સંધ્યાએ સોમનાથ દાદાને વાજતે ગાજતે ધ્વજા ચડાવવામાં આવી હતી. તા.11મીએ  સવારે વેરાવળ સોમનાથ ખાતે લેઉવા પટેલ અતિથિભવનનું ભૂમિપૂજન કેશુભાઈ પટેલની ઉપસ્થિતીમાં તુલસીભાઈ તંતી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સંબોધન કરતા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને વેરાવળ સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સોમનાથમાં અતિઆધુનિક કક્ષાના   અતિથિભવનના મુખ્ય દાતા સુઝલોન ગ્રુપના તુલસીભાઈ તંતીએ બે કરોડનું માતબર દાન આપ્યું હોવાથી મેં તેમને આ ભવનનું નામ સુઝલોન ભવન રાખવા સૂચન કર્યું
હતું.
પરંતુ તેમણે સુઝલોન ભવનના બદલે ખોડલધામ અતિથિભવન નામ રાખવા સૂચવી પોતાની સમાજ પ્રત્યેની ભાવના પ્રગટ કરી છે. તુલસીભાઈ જેવા ભામાશા હોય તો કોઈ કામ ક્યારેય અટકે નહીં.
અતિથિભવનના મુખ્ય દાતા તુલસીભાઈ તંતીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે કોઈ કાર્ય કરવું હોય તો એના માટે સમાજે સંગઠિત થવું પડે  અને આ સંગઠિત કરવાનું કામ ખોડલધામ ટ્રસ્ટે કર્યું છે. સંગઠિત થયા બાદ સમાજની જરૂરિયાત મુજબ કામ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર આવકારદાયક છે. સમાજ ઉપયોગી તમામ કાર્યમાં અમારો કાયમી સહયોગ રહેશે.
પૂર્વ મુખ્યમંત્રી અને લેઉવા પટેલ સમાજના અગ્રણી કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે અતિથિભવન માટે જે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે તે ખુબ સુંદર છે. આ સ્થળની આસપાસ સોમનાથ દાદા, ભગવાનશ્રી રામ, શ્રી કૃષ્ણ (ભાલકાતીર્થ), પ્રાંચીતીર્થ અને ત્રિવેણી સંગમ આવેલા છે. આગામી સમયમાં સોમનાથ બાદ લેઉવા પટેલ સમાજ સંગઠિત થયો છે. ખોડલધામે ગુજરાતને જગાડી દીધું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer