સ્વાઈન ફ્લૂથી બેનાં અને કોંગો ફીવરથી એકનું મૃત્યુ

પાટણના દંપતી અને વાંકાનેરના યુવાનનો ભોગ લેવાયો
પાટણ/રાજકોટ, તા. 12: ઠંડી અને ગરમીની મીકસ ઋતુના કારણે સ્વાઇન ફલૂની બીમારીએ ફરી પંજો ફેલાવવાનું શરૂ કર્યુ છે. પાટણમાં સ્વાઇન ફલૂના કારણે દંપતીનું મૃત્યુ થયું હતું. તો કોંગો ફીવરે વાંકાનેરના યુવાનનો જીવ લીધો હતો.
પાટણના કાલીબજાર વિસ્તારમાં રહેતાં અને નોકરી અર્થે સાઉદી અરેબિયા ગયેલા આધેડ અને તેમની પત્ની રજા ગાળવા માટે પાટણ આવ્યા હતાં. આ આધેડના પત્નીને તાવ, શરદી અને ઉઘરસની બીમારી લાગુ પડી હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. ત્રણ દિવસ બાદ આધેડને પણ તાવ, શરદી અને ખાંસીની બીમારી થઇ હતી. તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમની તબિયત લથડતાં ધારપુર ખાતે ખસેડાયા હતાં. ત્યાં તેના લોહી અને કફના નમુના લઇને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતાં. આધેડને સ્વાઇનફલૂ થયાનો પોઝીટીવ આવ્યો હતો. તેના પગલે આરોગ્યની ટીમે પગલાં લેવાનું શરૂ કર્યુ હતું. દરમિયાન આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. આ રીતે ત્રણ દિવસમાં પતિ-પત્નીના મૃત્યુ નિપજયા હતાં.
કોંગો ફીવર: વાંકાનેરના નવાપરામાં રહેતાં 20 વર્ષના રાધેશ્યામ નામના યુવાનને તાવની બીમારી લાગુ પડી હતી. તેને સારવાર માટે અહીની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક નિદાન બાદ આ યુવાનને કોંગોફીવર થયાની શંકા જતા તેના લોહી વગેરેના નમુના લઇને પુના મોકલી આપવામાં આવ્યા હતાં. તેનો રીપોર્ટ આવે તે પહેલા ગઇરાતના તેનું મૃત્યુ નિપજ્યું હતું. રીપોર્ટ આવ્યા બાદ કોંગોના કારણે મૃત્યુ થયુ હતુ કે અન્ય તાવથી થયુ હતું. તેની જાણકારી મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer