નીમાબેન આચાર્ય, અમૃતિયા અને ‘પાસ’ના પનારાને એક વર્ષની કેદ

નીમાબેન આચાર્ય, અમૃતિયા અને ‘પાસ’ના પનારાને એક વર્ષની કેદ
ઉપલી કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા
મોરબી, તા. 12 : 2009માં લોકસભાની ચૂંટણી સમયે ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થાય તેવી લોભામણી જાહેરાતો આપવા બદલ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયા, હાલના ભૂજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને મોરબી જિલ્લા પાસ કન્વીનર મનોજ પનારાને મોરબીની કોર્ટે આચાર સંહિતાભંગ બદલ એક-એક વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફંટકાર્યો હતો. દરમિયાન ત્રણેય વ્યક્તિઓએ ઉપલી અદાલતમાં આગળની અપિલ માટે દાદ માગતાં ત્રણેયને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
2009ની લોકસભાની ચૂંટણી વખતે સાંસદ પૂનમબેન જાટ માટે મોરબીમાં પ્રચાર સમારોહ યોજાયો હતો. 18 માર્ચ 2009ના દિવસે નૂતન મતદાન મથક સમારોહ યોજાયો હતો. જેમાં હાલના ભૂજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, મોરબી-માળિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા પાસના કન્વીનર મનોજ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એ સમારોહમાં મતદારોને આકર્ષવા લલચામણી જાહેરાતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને વધારે મત આપનાર વિસ્તારને વધારે ગ્રાન્ટ ફાળવણીની જાહેરાતો પણ કરવામાં આવી હતી.
એ સમયે નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ અંગેનો કેસ મોરબીની એડિશનલ કોર્ટમાં ચાલી જતાં મેજીસ્ટ્રેટ જે.જી.દામોદ્રાએ વીડિયોગ્રાફીના પુરાવાના આધારે ત્રણેયને એક વર્ષની સાદી કેદ અને એક હજારનો દંડ ફટકારતાં રાજકીય હડકંપ મચી ગયો હતો. જ્યાં સભા થઈ હતી તે સ્થળ મનોજ પનારાએ પોતાના નામથી સભા મંજૂરી માટે લીધું હતું.
દરમિયાન આજે ત્રણેયે ઉપલી કોર્ટમાં આગળની અપિલ માટે અરજી કરતાં ઉપલી અદાલતે ત્રણેયને વચગાળાના જામીન આપ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer