આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવા સરકાર તૈયાર !

આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવા સરકાર તૈયાર !
મુખ્યમંત્રીએ મેયરને આપેલી બાંયધરી: 29 ફૂટની સપાટી ધરાવતા ડેમમાં હાલ 20 ફૂટ પાણી
 
રાજકોટ, તા.12 : રાજકોટ શહેરના પીવાના પાણીના મુખ્ય ત્રોત પૈકીના એક એવા આજી-1 ડેમને ઉનાળામાં સમયમાં જરૂર પડયે સૌની યોજના અંતર્ગત નર્મદા નીરથી ભરી દેવા માટે રાજ્ય સરકારે સહમતી દર્શાવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુદ મેયરને આ અંગે ખાતરી આપી છે.
આજી-1 ડેમને સૌની યોજના હેઠળ નર્મદાનીરથી ભરી દેવા અગાઉ રાજકોટ મહાપાલિકા દ્વારા સિંચાઈ વિભાગ મારફત નર્મદાનિગમને દરખાસ્ત કરવામાં આવી હતી અને ખુદ મેયરે પણ આ મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ધ્યાન દોર્યુ હતું. મનપાની માગણી અને શહેરમાં પાણીની જરૂરિયાતને લક્ષમાં લઈને ઉનાળામાં જરૂર પડયે સરકારે આજી-1 ડેમને નર્મદાનીરથી ભરી દેવા માટે લીલીઝંડી આપી દીધી હોવાનું ખુદ મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવ્યું છે.
મેયર ઉમેર્યુ હતું કે, તેઓ ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્ય સરકારના આ પ્રોજેક્ટ સાથે સબંધિત અધિકારીઓ સાથે મળ્યાં હતાં. સહુ કોઈએ પાણી માટે નિષ્ફિકર રહેવા જણાવ્યું હતું અને ઉનાળામાં જરૂર પડયે આજી ડેમને સૌની યોજના હેઠળ નર્મદાનીરથી ભરી દેવા બાહેંધરી આપી હતી. અત્યારે આજી-1 ડેમને નર્મદાનીરથી કેમ ન ભરી શકાય ? તે પ્રશ્નના જવાબમાં મેયરે ઉમેર્યુ હતું કે, હાલ ડેમમાં 20 ફૂટ પાણીનો જથ્થો છે તેને પહેલા વાપરી નાખવું જરૂરી છે. પૂરો ડેમ ભરીશું તો તે પાણી  બાષ્પીભવનને લીધે ઉડી જશે. હાલ જે જથ્થો છે તે શહેર માટે 3 મહિના સુધી ચાલે તેટલો પ્રયાપ્ત છે.
મેયરે વધુમાં ઉમેર્યુ હતું કે, રાજકોટને એક્સપ્રેસ ફીડર લાઈનનો પણ ફાયદો મળવાનો છે જો શહેરના અન્ય જળત્રોત તળિયાઝાટક થઈ જાય તો આ લાઈન મારફત આજી ડેમમાંથી પાણી ઉપાડી ખાધ પૂરવામાં આવશે. હાલ શહેરની દૈનિક જરૂરિયાત 270 એમએલડીની પાણીની છે જેમાંથી 100 એમએલડી આજી-1, 45 થી 45 ભાદર તથા 40 એમએલડી ન્યારી ડેમમાંથી ઉપાડવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2017માં રાજકોટ માટે 31 કિ.મીની ખાસ પાઈપ લાઈન યોજના બનાવવામાં આવી હતી અને ચૂંટણી પૂર્વે જ 29 ફૂટની સપાટી ધરાવતા આજી ડેમમાં 14 ફૂટ પાણી આ યોજના અંતર્ગત ભરવામાં આવ્યું હતું. એ સમયે મેઘરાજા પણ મહેરબાન થતાં બાકીનું 15 ફૂટ પાણી ભરાઈ જતાં ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. એ અરસા બાદ આજદિન સુધીમાં પાણીના વપરાશ તેમજ બાષ્પીભવનના કારણે ડેમની સપાટી હાલ 20 ફૂટ પહોંચી ગઈ છે.
તો..શહેરની પાણી સમસ્યા ટળી જશે : મ્યુનિ.કમિશનર
મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આજી ડેમને જૌ સૌની યોજના હેઠળ ભરી દેવામાં આવે તો શહેરની પાણી સમસ્યા ટળી જશે. આ મુદ્દે મનપાએ અગાઉ સિચાઈ વિભાગ મારફત એક દરખાસ્ત કરી હતી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે તેમણે સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.
-----------------
એમ.કે.બ્લોચ દ્વારા સરકાર સમક્ષ માગણી
નર્મદા ઉપર આધારિત રહેવાના બદલે દરિયાના પાણીને પીવાલાયક બનાવો
જામનગર તા.12 : જામનગરના કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ મંત્રી એમ.કે.બ્લોચે જણાવ્યું છે કે વિશ્વના અનેક દેશો દરિયાના પાણીને પીવા લાયક બનાવે છે ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન માત્ર નર્મદા ઉપર આધાર રાખવાના બદલે સરકારે અન્ય વિકલ્પો વિચારવા જરૂરી છે. તેમણે જણાવ્યું છે કે છેલ્લા થોડા દિવસ થયા ગુજરાતની નર્મદા નદીના પાણી સુકાઈ રહયાના સરકારી અહેવાલો છે. આંકડાઓ, ડેમની સપાટી તથા નર્મદા નદીના સુકાઈગયેલા વિસ્તારોથી ગુજરાત માટે આવતા ઉનાળે પાણીનો ગંભીર પ્રશ્ન છે. ખુદ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ વર્ષે ઉનાળે વાવેતર નહીં કરવા ખેડૂતોને  ચેતવણી આપી દીધી છે. સરકારે પાણી માટે કંઈ આયોજન કર્યું નથી. નર્મદા ડેમ આધારીત ગુજરાતના 9490 ગામો અને 173 શહેરો છે. આશરે 10 લાખ જેટલા ખેડૂતોને ખેતી માટે પાણી આપવામાં આવે છે.હવે આ ઉનાળાથી આ પાણી આપવામાં નહીં આવે તેમ જણાય છે. વિશ્વના અનેક દેશો છે જયાં વરસાદ પડતો નથી તેમ છતાં ત્યાં પાણીની તંગી નથી. કારણ કે આ દેશોએ અગાઉથી પ્રજા તથા ખેતી માટે પાણીનું આયોજન કરેલું છે.આ દેશો પાસે દરિયો છે. દરિયા નજીકની જમીનના ખારા પાણીને પીવા લાયક તથા ખેતી લાયક બનાવે છે. ઈઝરાયલ દેશનો દાખલો સામે જ છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે પાણી નિષ્ણાતો અને તજજ્ઞો સાથે પાણી માટે લાંબા ગાળાનું આયોજન કરવું જોઈએ.
રાષ્ટ્ર- પ્રદેશમાં રાજયનો સૌથી વિશાળ અને લંબાઈ ધરાવતો દરિયા કિનારો છે. જેમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, નવલખી, પોરબંદર અને અનેક બંદરો છે. તેનો અભ્યાસ કરવો જોઈએ. આ બંદરો નજીકની ખારી જમીનોના પાણીની શુધ્ધિકરણની સરળ પધ્ધતિઓ વિશ્વના અનેક દેશો પીવા તથા ખેતી માટે ઉપયોગ કરે છે તે પધ્ધતિ અપનાવવી જોઈએ.
નીચેના પ્રસંગો પણ ધ્યાને લેવા જેવા છે જેમાં, આરબ અમીરાતના નાના-મોટા દેશો જયાં વરસાદ પડતો નથી.જેઓ દરિયાના પાણીને પીવા લાયક અને ખેતી લાયક બનાવે છે. તે પધ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ.
એ પણ જણાવવું જરૂરી છે કે, નર્મદા ડેમ એકલો ગુજરાતની માલિકીનો ડેમ નથી. આ ડેમમાંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત ભાગીદારો છે. ગુજરાતને માત્ર 18 ટકા પાણીનો જથ્થો મળે છે. તેથી પણ ગુજરાત માટે દરિયાઈ આધારીત પાણીનું આયોજન જરૂરી અને આવશ્યક છે.એમ તેમણે ઉમેર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer