વીજળીમાં પણ પાણીવાળી ! : ઉનાળામાં વીજ કટોકટી સંભવ

વીજળીમાં પણ પાણીવાળી ! : ઉનાળામાં વીજ કટોકટી સંભવ
ગેસના ભાવ વધારાને લીધે ગેસ આધારિત વીજમથકો બંધ
 
અમદાવાદ, તા.12 : ગુજરાતમાં જે પાણીની પરિસ્થિતિ થઈ એ સ્થિતિ વીજળીની થવાનો સંભવ છે, છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં ગુજરાત દ્વારા સરપ્લસ (વધારાની) વીજળી હોવાનો દાવો કરવામાં આવે છે અને વધારાની વીજળી બીજા રાજ્યોને વેંચી દેવામાં આવે છે. પરંતુ આ ઉનાળામાં ચિત્ર પલટાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતમાં આ વખતે ઉનાળા દરમિયાન 16 હજાર મેગાવોટથી પણ વધુ વીજળીની માંગ ઉભી થવાની શકયતા છે. બીજીબાજુ, ગુજરાતમાં વીજળીનું ઉત્પાદન માત્ર 7273 મેગાવોટ થયું છે. ગેસના ઉંચા ભાવ જવાથી રાજ્યમાં ગેસ આધારિત વીજ ઉત્પાદન થતું હતું એ બંધ કરી દેવાયુ છે. એટલું જ નહીં, અદાણી અને એસ્સાર દ્વારા અપાતી વીજળી પણ છેલ્લા એક વર્ષથી વીજ ઉત્પાદન બંધ કરી દેવાતા એ વીજ ઉત્પાદન પણ મળી શકે એમ નથી.
રાજ્યના ઉર્જા વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાથી હાલ નર્મદામાં પાણી ઓછું પ્રાપ્ત  થયું છે. જેની સીધી અસર ખેડૂતો અને  ઉદ્યોગો પર પડનારી છે. ખેડૂતોને મળતી 8 કલાક વીજળીમાં સીધો કાપ આવશે એવી જ રીતે ઉદ્યોગોમાં પણ સ્ટેગરીંગ કરવામાં આવશે, સૂત્રોના કહેવા પ્રમાણે, એસ્સાર અને અદાણી દ્વારા પ્રાપ્ત થતી 3000 મે.વો. વીજ ઉત્પાદન બંધ થવાથી હાલ આ વીજળી પણ રાજ્યને મળતી નથી.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ કોલસાની અછત છે, ત્યારે કોલસો મેળવવામાં પણ મુશ્કેલી છે. આ સંજોગોમાં કોલસા આધારિત વીજ મથકોમાં પણ વીજ ઉત્પાદન માટે મુશ્કેલી પડી રહી છે. રાજ્યસરકારને હાલ જીપેક દ્વારા 3148 મે.વો., આઇપીપીમાંથી 784 મે.વો.વીજળી મળે છે આ ઉપરાંત વિન્ડ અને સોલારમાંથી અનુક્રમે 367મે.વો. અને 669 મે.વો. વીજળી પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ટોરેન્ટ પાવર દ્વારા 894 મે.વો. વીજળી મળી રહી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer