દુ:સાહસની કિંમત પાકે. ચૂકવવી પડશે: સીતારમણ

દુ:સાહસની કિંમત પાકે. ચૂકવવી પડશે: સીતારમણ
સુંજવાન હુમલામાં પાક.નો હાથ હોવાનાં પુરાવા મળ્યાનો દાવો કરતાં જમ્મુની મુલાકાતે પહોંચેલા સંરક્ષણ મંત્રી
 
જમ્મુ, તા.12: જમ્મુમાં સુંજવાન સૈન્ય છાવણી ઉપર થયેલો આતંકવાદી હુમલો જૈશ-એ-મોહમ્મદે કરાવ્યો હોવાનું જણાવતાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે ગર્જના કરી હતી કે આ નાપાક કરતૂતમાં પાકિસ્તાનનો હાથ હોવાનાં પુરાવા પણ છે અને આવા દુ:સાહસની કિંમત પાકિસ્તાનને ચૂકવવી પડશે. કોઈપણ જવાનનું બલિદાન વ્યર્થ નહીં જાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળશે.
સંરક્ષણ મંત્રી સીતારમણ આજે જમ્મુનો પ્રવાસ કરીને આર્મી કેમ્પનાં હુમલામાં ઘાયલ લોકોનાં ખબર પૂછવા માટે હોસ્પિટલ ગયા હતાં. ઈજાગ્રસ્તોની મુલાકાત બાદ તેમણે રાજ્યનાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ સાથે પણ બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે સુંજવાન હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનાં પુરાવા હાથ લાગ્યા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે આતંકવાદીઓને આ હુમલો કરવાં સ્થાનિક સ્તરેથી પણ મદદ મળી હતી.
તેમણે કહ્યું હતું કે હુમલાનાં સ્થળેથી આતંકવાદીઓ પાસેથી મળેલા તમામ દસ્તાવેજો અને સાધન-સરંજામ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેનાં ઉપરથી સ્પષ્ટ જણાય છે કે આ હુમલો જૈશનું ષડયંત્ર જ હતો અને પાકિસ્તાનનો પણ તેમાં સીધો હાથ છે. આ પુરાવાઓ પાકિસ્તાન સમક્ષ રજૂ પણ કરાશે. જો કે તેમણે સાથોસાથ એવું પણ ઉમેર્યુ હતું કે ભૂતકાળમાં આવી રીતે આપવામાં આવેલા પુરાવાઓ ઉપર પાકિસ્તાને કોઈ જ કાર્યવાહી કરી નથી.
-------------
શ્રીનગરમાં CRPF કેમ્પ ઉપર આતંકી હુમલાનો પ્રયાસ : જવાન શહીદ
બે આતંકી નજીકની ઈમારતમાં ઘૂસ્યા : સુરક્ષાદળોએ ઓપરેશન છેડયું
શ્રીનગર, તા. 12 : કાશ્મીરના સુંજવાનમાં આર્મી કેમ્પમાં આતંકવાદીઓનો ખાત્મો થયો છે તેવામાં શ્રીનગરના સીઆરપીએફ કેમ્પમાં બે આતંકવાદીઓએ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આતંકીઓ હેડક્વાર્ટરમાં ઘૂસી ન શકતા નજીકની એક ઈમારતમાં છૂપાયા હતા. આતંકીઓની ભાળ મળતા સુરક્ષાદળોએ ઈમારતને ઘેરી લીધી છે અને છેલ્લા અહેવાલ પ્રમાણે બન્ને બાજુએ ગોળીબાર ચાલી રહ્યો છે. આ આતંકી હુમલામાં એક જવાન શહીદ પણ થયો છે. સીઆરપીએફના આઈજી રવિદીપ સહાયે કહ્યું હતું કે, સવારના 4.30 વાગ્યા આસપાસ બેગ અને હાથમાં હથિયાર લઈને બે આતંકવાદીઓ હેડક્વાર્ટરમાં ઘૂસવાની કોશિષ કરી રહ્યા હતા. આ દરમિયાન શંકાસ્પદ હિલચાલને જોઈ ગયેલા સીઆરપીએફ જવાનોએ આતંકવાદીઓને પડકાર્યા હતા. પડકાર મળતાની સાથે આતંકવાદીઓ નાસી છૂટયા હતા અને હેડક્વાર્ટર નજીક આવેલા કરણનગરની એક ઈમારતમાં છૂપાઈ ગયા હતા. આ દરમિયાન સર્ચ ઓપરેશન ચલાવીને સીઆરપીએફ જવાનોએ આતંકવાદીઓને શોધી કાઢ્યા હતા અને એન્કાઉન્ટર શરૂ કર્યું હતું. આ ઈમારતમાંથી પાંચ પરિવારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને ઓપરેશન જારી છે. આ અથડામણમાં સીઆરપીએફની 49મી બટાલીયનનો એક જવાન શહીદ પણ થયો છે.
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer