ભારત કરશે સર્જીકલ સ્ટ્રાઈક? પાક.ને ભય

ભારત કરશે સર્જીકલ સ્ટ્રાઈક? પાક.ને ભય
-સુંજવાનમાં આતંકી હુમલા બાદ ક્રોસ બોર્ડર એક્શનની ભીતિના પગલે પાકિસ્તાનની ભારતને ચેતવણી
- આંતરિક સુરક્ષાના મુદ્દે દિલ્હીમાં ગૃહમંત્રીની બેઠક
નવી દિલ્હી, તા. 12 : જમ્મુ કાશ્મીરના સુંજવાનમાં આવેલા આર્મી કેમ્પ ઉપર આતંકવાદી હુમલા બાદ હવે પાકિસ્તાન ભારત તરફથી ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઈકની ઘાતક કાર્યવાહીનાં ભયથી કંપી ગયું છે. સુંજવાન આતંકી હુમલાંને પગલે એકબાજુ પાકિસ્તાનને ભારત ફરીથી અંકૂશરેખા ઓળંગે તેવી ભીતિ છે ત્યારે બીજીબાજુ ભારત સરકારમાં ઉચ્ચસ્તરે હિલચાલ વધી ગઈ છે. ઉચ્ચસ્તરીય બેઠકોનો શરૂ થયેલો દોર પાકિસ્તાનને સબક શીખવવાની તૈયારીનો સૂચક સંકેત માનવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરમાં વધેલી આતંકી ગતિવિધિને પગલે આજે પોતાનાં આવાસે સુરક્ષાને લઈને મહત્ત્વની શીર્ષ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં ગૃહસચિવ રાજીવ ગૌબા, આઈબીનાં વડા અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. બીજી તરફ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અસરગ્રસ્ત કેમ્પની મુલાકાતે પહોંચ્યા છે. આ સ્થિતિમાં પાકિસ્તાનને આશંકા છે કે, ઉરી હુમલા બાદ ભારે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક ફરી એક વખત થશે. આ આશંકાને પગલે પાકિસ્તાન દ્વારા ચેતવણી પણ જારી કરી દેવામાં આવી છે.
સરહદ ઉપર સતત શસ્ત્રવિરામ ભંગ અને આતંકવાદી હુમલામાં ચાલુ વર્ષે 18 જવાનો શહીદ થયા છે. કાશ્મીરમાં સતત આતંકી ગતિવિધિ વધી રહી છે. તેમાં પણ સુંજવાનમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીની માગ ઉઠી રહી છે. આ સમયે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આંતરીક સુરક્ષાને લઈને મહત્ત્વની બેઠક બોલાવી છે. ભારતમાં આતંકી હુમલા બાદ શરૂ થયેલી ચહલપહલને જોતા પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈકનો ભય સતાવી રહ્યો છે. સુંજવાન કેમ્પના આતંકી હુમલામાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનું કહેતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને ભારતના તમામ આરોપોને ખારીજ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સર્જીકલ સ્ટ્રાઈકના ભયના કારણે પાકિસ્તાને ભારતને ક્રોસ બોર્ડર એક્શન અંગે ચેતવણી પણ આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે, કાશ્મીરમાં ઉત્પીડન અને માનવઅધિકારોના ભંગથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે ભારત પાકિસ્તાન ઉપર આરોપો મુકી રહ્યું છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer