બસમાં યુવાનને કેફી પ્રવાહી પીવડાવીને રૂપિયા 25 હજારની મતા સેરવી લેવાઇ

વઢવાણ, તા.12: અમદાવાદથી મહાસાગર ટ્રાવેલ્સની બસમાં રાજકોટ આવી રહેલા રાજકોટના કસ્તુરબા હરિજનવાસમાં રહેતા બચુભાઇ માવજીભાઇ વાઘેલા નામના યુવાનને કેફી પ્રવાહી પીવડાવીને રૂ. 25 હજારની મતા સેરવી લેવામાં આવી હતી.
આ યુવાન અમદાવાદના ઉજાલા સર્કલથી બસમાં બેઠો હતો. તેની બાજુમાં અજાણ્યો શખસ બેઠો હતો. હાઇ-વે પર દર્શન હોટલ પાસે બસ ઉભી રહી હતી ત્યારે રાજકોટના યુવાનની બાજુમાં બેઠેલો શખસ નીચે ઉતર્યો હતો અને બાદમાં તે ઠંડુ પીણુ લઇને આવ્યો હતો અને આગ્રહ કરીને રાજકોટના યુવાનને ઠંડુ પીણુ પીવડાવ્યું હતું. આ પીણુ પીધા બાદ રાજકોટનો યુવાન નિંદ્રામાં સરી પડયો હતો અને તેનો લાભ લઇને તેની પાસે બેઠેલો શખસ રૂ.પંદર હજારનો સોનાનો ચેઇન, રૂ. ત્રણ હજારની વીંટી અને રૂ. સાત હજારની રોકડ રકમ મળી કુલ રૂ. 25 હજારની મતા સેરવી લઇને નાસી ગયો હતો. આ અંગે રાજકોટના બચુભાઇ વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer