ગોંડલની ગુંદાળા ચોકડીએ ત્રિપલ અકસ્માત: એક મહિલા સહિત બે નાં મૃત્યુ

ચારને ઈજા: ટ્રક ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢવા ક્રેન અને જેસીબીની જરૂર પડી
ગોંડલ તા.12:  અકસ્માત માટે કુખ્યાત અને ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના ગુંદાળા ચોકડીએ માર્કેટીંગ યાર્ડ પાસે ગત રાત્રીના 12 કલાકના સુમારે આઇશર ટ્રક મારૂતિ ઝેન અને વેગનઆર કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા એક મહિલા સહિત બે વ્યકિતના મૃત્યુ નિપજયા હતા. જ્યારે ચાર વ્યકિતઓને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ગોંડલ લગ્નપ્રસંગ પૂરા કરી મારુતિ ઝેન જી જે 3 એબી 8820માં જઈ રહેલ ભરવાડ પરિવાર ગત રાત્રીના 12 કલાકના સુમારે સંબંધીની હોટલ પાસે ચા-નાસ્તા માટે ઉભો રહ્યો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા આઇશર ટ્રકના ચાલકે અડફેટે લેતા મારૂતિ ઝેન ચાર પલટી મારી ગઇ હતી અને સામે આવતી વેગન આર કાર સાથે અથડાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર ઈજાગ્રસ્તોની ચિચિયારીઓ બોલવા લાગતા લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા.  ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. આ અકસ્માતમાં મારૂતિ ઝેનમાં બેઠેલા અને ગોંડલ તાલુકાના કંટોલિયા ગામના ગીતાબેન સંજયભાઈ વકાતર ભરવાડનું મૃત્યુ નિપજ્યું હતું.
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે આઇસર ટ્રક પણ પલ્ટી મારી ગયો હતો તેનો ડ્રાઈવર અને ક્લીનર પણ કેબિનમાં ફસાયા હોઇ બંનેને બહાર કાઢવા ક્રેન અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરનું પણ મૃત્યુ નીપજ્યું હતું. અલબત્ત ડ્રાઇવરનું હજુ નામ બહાર આવ્યું નથી .આ અકસ્માતમાં મનાલી કમલેશભાઈ રાઠોડ, પાર્થ કમલેશભાઈ રાઠોડ, નીરુ બાબુભાઈ રાઠોડ તેમજ બાબુ ભાઈ હીરાભાઈ રાઠોડને ઈજા થઈ હોવાથી સારવાર માટે પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ ગુંદાળા ચોકડી ખાતે હાઇવે પેટ્રાલિંગ પોલીસ, સિટી, તાલુકા પોલીસ, 108 તેમજ શહેરની સાત સેવાકીય  સંસ્થાઓની એમ્બ્યુલન્સ દોડી આવી હતી.  અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસના પીએસઆઇ એસ.એમ રાદડિયાએ હાથ ધરી છે.
ભરવાડ પરિવાર રાજકોટના પુનિતનગર ખાતે આવેલ વિશ્વકર્મા સોસાયટી ખાતે રહેતો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અકસ્માત અંગેની ફરિયાદ અશ્વિનભાઈ વકાતરે નોંધાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer