ઓમાનમાં મોદીની શિવ મંદિરમાં પૂજા, મસ્જિદમાં માગી દુઆ

ઓમાનમાં મોદીની શિવ મંદિરમાં પૂજા, મસ્જિદમાં માગી દુઆ
સુલતાન કબુસ અને મોદી વચ્ચેની બેઠક બાદ આઠ કરારો ઉપર થયા હસ્તાક્ષર
 
નવી દિલ્હી, તા. 12 : પશ્ચિમ એશિયાના ત્રણ દેશોની યાત્રાના છેલ્લા ચરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાન પહોંચ્યા છે. ઓમાનની રાજધાની મસ્કતમાં મોદીએ 300 વર્ષ જૂના મોતિશ્વર શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ મોદી મસ્જિદે પહોંચ્યા હતા અને દુઆ પણ માગી હતી. ત્યારબાદ ઓમાનના સુલતાન કબુસ અને મોદી વચ્ચે ચર્ચા વિચારણા થઈ હતી અને આઠ મહત્ત્વના કરારો ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
મોદીની મુલાકાત માટે ઓલ્ડ ઓમાનમાં સ્થાપિત શિવ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ મંદિર ઓમાનનું સૌથી જૂનુ મંદિર છે અને ગલ્ફ વિસ્તારમાં સૌથી લોકપ્રિય પણ છે. આ મંદિરનું નિર્માણ કચ્છના ભાટિયા પરિવાર દ્વારા કરાવવામાં આવ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે. સાઉદીમાં રહેતા ભારતીયો આ શિવમંદિરે પૂજા અર્ચના કરીને પોતાને ભારત સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરે છે. ઓમાનમાં મસ્જિદની મુલાકાત દરમિયાન સુલતાન કબુસ બિન સાદ અલ સાદ પણ મોદી સાથે હતા અને બન્નેએ વ્યાપક ચર્ચા કરી હતી. આ દરમિયાન ભારત અને ઓમાન વચ્ચે રક્ષા, સ્વાસ્થ્ય અને પર્યટનના ક્ષેત્રમાં સહયોગ સહિતના આઠ કરારો ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું હતું કે, દ્વિપક્ષિય સબંધોમાં નવી ઉંચાઈએ પહોંચતા વડાપ્રધાન મોદી અને ઓમાનના સુલતાન કબુસ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. કબુસે ઓમાનના વિકાસમાં ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી હતી.
 
4000 કરોડમાં ભારતે કર્યો સાઉદીની ઓઈલ કંપની સાથે કરાર
ભારતમાં વધતી ઉર્જાની માગને પહોંચી વળવા માટે અબૂ ધાબીની ક્રૂડ ઓઈલ કંપની સાથે ભારતે 4000 કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદીની યાત્રા દરમિયાન અબુ ધાબીની કંપની એડનોકમાં ભારતે 10 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ હિસ્સાના બદલામાં ભારતને ક્રૂડ મળશે. સોદાના કારણે ભારતમાં ઉર્જાની વધી માગને સંતોષવામાં મદદ મળી રહેશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer