સમર્થ વ્યાસની 8 છકકાથી આતશી સદી: સર્વિસીસ સામે સૌરાષ્ટ્રનો આક્રમક વિજય

સમર્થ વ્યાસની 8 છકકાથી આતશી સદી: સર્વિસીસ સામે સૌરાષ્ટ્રનો આક્રમક વિજય
ધર્મેન્દ્ર જાડેજાની 4 વિકેટ: વિજય હઝારે ટ્રોફીના ગ્રુપ ડીમાં સૌરાષ્ટ્ર ત્રીજી જીતથી બીજા સ્થાને પહોંચ્યું

સિકંદરાબાદ, તા.12:  યુવા સ્પિનર ધર્મેન્દ્ર જાડેજાની 26 રનમાં 4 વિકેટ અને બાદમાં યુવા બેટધર સમર્થ વ્યાસની 66 દડામાં આતશી અણનમ સદીની મદદથી સૌરાષ્ટ્રની ટીમે વિજય હઝારે ટ્રોફીના આજના વન ડે મેચમાં સર્વિસીસની ટીમ સામે 8 વિકેટે આક્રમક વિજય મેળવ્યો હતો. પાંચ મેચમાં ત્રીજી જીત મેળવીને ચેતેશ્વર પુજારાના સુકાનીપદ હેઠળની સૌરાષ્ટ્રની ટીમ ગ્રુપ ડીમાં બીજા નંબર પર આવી ગઇ છે.
આજના મેચમાં સર્વિસીસની ટીમ પહેલા બેટિંગ કરતા 48.2 ઓવરમાં 176 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ પછી સૌરાષ્ટ્રે આક્રમક બેટિંગ કરીને 21.4 ઓવરમાં જ બે વિકેટે 181 રન કરીને 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી અને તેનો નોકઆઉટની આશા જીવંત રાખી હતી. સૌરાષ્ટ્ર તરફથી સમર્થ બિપીન વ્યાસે આતશી બેટિંગ કરીને 66 દડામાં 12 ચોકકા અને 8 ગગનચુંબી છકકાથી અણનમ 114 રન કર્યાં હતા. સુકાની પુજારાએ પણ ઝડપી બેટિંગ કરીને 39 દડામાં 3 ચોકકા-3 છકકાથી અણનમ 4પ રન કર્યાં હતા. બન્ને વચ્ચે ત્રીજી વિકેટની અતૂટ ભાગીદારીમાં 143 રનનો ઉમેરો થયો હતો. અવિ બારોટ ઝીરોમાં અને ચિરાગ જાની 18 રન પર આઉટ થયા હતા.
આ પહેલા સર્વિસીસની ટીમ ધર્મેન્દ્ર જાડેજાની સ્પિન બોલિંગ સામે 176 રન જ કરી શકી હતી. ધર્મેન્દ્રએ 26 રનમાં 4 વિકેટ લીધી હતી. જયદેવ ઉનડકટ અને શૌર્ય સાંદિયાને 2-2 વિકેટ મળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer