ટીમ ઇન્ડિયા શ્રેણી વિજયની કોશિશ કરશે

ટીમ ઇન્ડિયા શ્રેણી વિજયની કોશિશ કરશે
આફ્રિકા જીતનો ક્રમ જાળવી રાખવા પ્રયાસ કરશે: આજે પાંચમો વન ડે મેચ

પોર્ટ એલિઝાબેથ તા.12: પાછલા મેચમાં હાર સહન કરનાર ભારતીય ટીમ આવતીકાલ મંગળવારે દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ રમાનાર પાંચમા વન ડેમાં જીત મેળવીને શ્રેણી કબજે કરવાના મકકમ ઇરાદે મેદાને પડશે. છ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 3-1થી આગળ ચાલી રહી છે. એક જીતથી તેનો આફ્રિકાની ધરતી પર પહેલીવાર ઐતિહાસિક શ્રેણી વિજય થઇ શકે છે. સતત ત્રણ જીત બાદ ચોથા વન ડેમાં આફ્રિકાનો ડકવર્થ-લૂઇસ નિયમથી વિજય થયો હતો. ચોથા વન ડેમાં પહેલીવાર ભારતીય સ્પિન જોડી ચહલ-કુલદિપને નિષ્ફળતા મળી હતી. આમ છતાં આફ્રિકાની બેટિંગ લાઇનઅપ અને ભારતના કલાઇના સ્પિનર વચ્ચેનો મુકાબલો ચાલુ જ છે. જેની અસર પાંચમા વન ડેમાં પણ જોવા મળી શકે છે.
ચોથા વન ડેમાં ભારતને કેચ છોડવા અને ચહલનો મિલર સામેનો નો-બોલ ભારે પડયો હતો. સુકાની કોહલીની આખરી ઓવરોમાં બુમરાહ અને ભુવનેશ્વરના બદલે ચહલ-કુલદિપને બોલિંગ આપવાની રણનીતિ પણ નિષ્ફળ સાબિત થઇ હતી. પાંચમા મેચની ઇલેવનમાં ભારત ફેરફાર કરી શકે છે.
સતત નિષ્ફળ જઇ રહેલા રોહિત શર્માને વધુ એક મોકો મળી શકે છે. ભારતની બેટિંગ ફરી એકવાર સુકાની કોહલી અને ઓપનર ધવન પર નિર્ભર રહેશે.
બીજી તરફ આફ્રિકાની ટીમ વિજયનો ક્રમ જાળવી રાખીને શ્રેણી જીવંત રાખવા ફરી એકવાર આરયાપારનો મુકાબલો કરશે. આફ્રિકાને તેના સ્ટાર બેટસમેન એબી ડિ’વિલિયર્સ પાસેથી એક મોટી ઈનિંગની આશા રહેશે. મેચ 4-30 વાગ્યાથી શરૂ થશે.
 
સેંટ જોર્જ પર ભારતને એક પણ જીત મળી નથી
પોર્ટ એલિઝાબેથના સેંટ જોર્જ મેદાન પર પાછલા 2પ વર્ષમાં ટીમ ઇન્ડિયાને જીત મળી નથી. આ મેદાન પર ભારતનો ભાગ્યે પણ સાથ આપ્યો નથી. કારણ કે અહીં ભારતને કેન્યા જેવી નબળી ટીમ સામે પણ હાર મળી હતી. વર્ષ 2001માં કેન્યાએ ભારતને 70 રને હાર આપી હતી. દ. આફ્રિકા આ મેદાન પર ભારત સામે 4 મેચ રમ્યું છે અને તમામમાં જીત મેળવી છે. સેંટ જોર્જ મેદાન પર દ. આફ્રિકાની ટીમ કુલ 32 વન ડે મેચ રમી છે. જેમાંથી તેને 20મા જીત અને 12મા હાર મળી છે. આ મેદાન પર 39 મેચમાં 18 વખત પહેલા બેટિંગ કરનાર ટીમને જીત મળી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer