મહિલા ટીમની નજર આફ્રિકા વિ.ની T-20 શ્રેણી જીતવા પર

મહિલા ટીમની નજર આફ્રિકા વિ.ની T-20 શ્રેણી જીતવા પર
પોર્ચેસ્ટ્રૂમ (દ. આફ્રિકા), તા.12: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ભલે ત્રણ વન ડેની શ્રેણીના આખરી મેચમાં હાર મળી હોય, પણ તેના આત્મવિશ્વાસ જરા પણ ઓછો થયો નથી અને તેની નજર આવતીકાલ મંગળવારથી અહીં શરૂ થતી પાંચ મેચની ટી-20 સિરીઝ જીતવા પર ટકેલી છે. વન ડે શ્રેણી 2-1થી જીતનાર ભારતીય મહિલા ટીમનું ટી-20માં સુકાની આક્રમક બેટધર હરમનપ્રિત સંભાળશે. ટી-20 શ્રેણી પૂર્વે સુકાની હરમનપ્રિત કૌરે કહ્યું છે કે અમે ત્રીજા વન ડેની હાર ભૂલી ચૂકયા છીએ. છોકરીઓ ગજબના આત્મવિશ્વાસમાં છે અને અમારું લક્ષ્ય ટી-20 શ્રેણીનો પ્રારંભ વિજય સાથે કરવાનો છે.
ટીમની ઉપસુકાની તરીકે ફોર્મમાં ચાલી રહેલ સ્મૃતિ મંધાના હશે. ટી-20 વિશેષજ્ઞ અનુજા પાટિલ પદાપર્ણ કરી રહી છે. જ્યારે ઓલરાઉન્ડર રાધા યાદવ અને વિકેટકીપર નુજહત પરવીન ટીમમાં સામેલ થઇ છે. આ ઉપરાંત 17 વર્ષની મુંબઇની જેમિમા રોડ્રિગ્સના પ્રદર્શન પર નજર રહેશે. જે અન્ડર-19માં 163 દડમાં 202 રન બનાવીને ચર્ચામાં આવી હતી. બીજી તરફ આફ્રિકની મહિલા ટીમ વન ડે શ્રેણી હાર્યાં બાદ ટી-20 શ્રેણી કબજે કરવા કોઇ કસર છોડશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer