આજે મકરસંક્રાંતિનું મહાપર્વ દાનનો મહિમા અપરંપાર

આજે મકરસંક્રાંતિનું મહાપર્વ દાનનો મહિમા અપરંપાર

ભુપેન્દ્ર રોડ મંદિરે આજે પારાયણની પૂર્ણાહુતિ
ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે એક માસથી ચાલતી પ્રાત: કથા પારાયણની પૂર્ણાહુતિ તારીખ 14મીને રવિવારે થશે. વક્તા અને સંતોનું પૂજન થશે. સવારે મકરસંક્રાંતિ નિમિત્તે ગૌપૂજનનું પણ આયોજન છે. 
દીકરાનું ઘર : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત “દીકરાનું ઘર’’ વૃદ્ધાશ્રમ જેમાં માવતરોની ઉત્તમ સેવા કરી રહી છે તે સાથો સાથ અબોલ જીવોની પણ સેવા કરી રહી છે. 2010માં દાતા અને બિલ્ડર રસીકભાઈ મહેતા પરિવાર તરફથી મળેલ આર્થિક દાનના સહયોગથી “દીકરાનું ઘર’’ વૃદ્ધાશ્રમ દ્વારા પશુ-પક્ષીઓ માટે હરતું ફરતું અન્નક્ષેત્ર જીવદયા રથ તૈયાર કરાયું છે જે રોજ સવારે ન્યારી ડેમ ખાતે 7 થી 8 અબોલ જીવોની સેવા કરી રહી છે. “દીકરાનું ઘર’’ વૃદ્ધાશ્રમ દ્વારા ચાલતા આ અન્નક્ષેત્રમાં 365 દિવસ કુતરાને દુધ અને રોટલી, કાબરને ગાંઠીયા, માછલીને લોટની ગોળી અને દાળીયા, કબૂતરોને ચણ ખવરાવવામાં આવે છે. જેનો અંદાજિત પ્રતિદિનનો ખર્ચ રૂા.3500 જેવો થાય છે. દાતાઓના દાનની અપીલ કરાઈ છે.
સદ્ગુરૂ સદન : સદ્ગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા આશ્રમમાં ગૌશાળામાં ગાયોનું લાલન-પાલન થઈ રહ્યું છે. ગાયોના દૂધ-ઘી. શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલનાં દરદીઓને નિ:શુલ્ક અપાતા ભોજનમાં અપાય છે. ત્યારે આ મહાપર્વએ દાનની અપિલ કરાઈ છે.
સત્ય પ્રકાશ ધ્યાન મંદિર : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વૈદ્ય વાડી ખાતે રવિવારે સંક્રાંતે 6:30 થી 8:30 દરમ્યાન વિશેષ ધ્યાનોત્સવ કાર્યક્રમનું યોજાશે. જેમાં ઓશો કિર્તન, સંધ્યા ધ્યાન, વિડીયો દર્શનનો વિશેષ કાર્યક્રમ છે.
આર્ય સમાજ : આર્ય સમાજ માયાણીનગરમાં સાંજે 5 થી 7 સાપ્તાહિક  સત્સંગ તેમજ યજ્ઞ-ભજન અને પ્રવચન તેમજ મકરસંક્રાંતિ નીમીતે પ્રોગ્રામ યોજાશે.
ઘાયલ પક્ષીઓ માટે સારવાર : મકરસંક્રાંતિના પર્વએ ઈજાગ્રસ્ત તથા ઘાયલ થતા પક્ષીઓ માટે નિષ્ઠા હેલ્પલાઈનની ટીમ કાર્યરત રહેશે. આ પક્ષીઓ માટે ત્રિદિવસીય કેમ્પ યોજાશે. એનીમલ હેલ્પલાઈન તથા કરૂણા ફાઉન્ડેશનનો વિશેષ સહયોગ મળ્યો છે. આ ટીમ નવા થોરાળા, ગંજીવાડા, ભાવનગર, કાળીપાટ, ત્રંબા, મોરબી રોડ, કુવાડવા રોડ, 80 ફીટ રોડ, જિલ્લા ગાર્ડન સહિત કાર્યરત રહેશે. વિશેષ માહિતી માટે ડો.પ્રકાશ ચાવડા (98246 01511), નવલદાન ગઢવી (97372 99271) તથા 99980 23580 તથા (98987 38967) નો સંપર્ક સાધવો.
કરૂણા અભિયાનને ધ્રુવનો આવકાર
રાજકોટ, તા. 12: ગુજરાતના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી, મકરસંક્રાંતિ અને ઉત્તરાયણના તહેવારો નિમિતે, રાજ્યના વન વિભાગના ઉપક્રમે, હાથ ધરાયેલા ‘રાજ્યવ્યાપી કરુણા અભિયાન-2018’ને ભાજપ અગ્રણી અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે આવકાર આપ્યો છે.  ‘પક્ષી સંરક્ષણ’ માટેના ગુજરાત સરકારના આ શ્રેષ્ઠ અભિગમને ઉમળકાભેર વધાવી લેવા ગુજરાતની પ્રજા જોગ કરુણાસભર અપીલ કરી છે.
 રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, તા. 20મી જાન્યુઆરી સુધી ચાલનારા આ ‘કરુણા અભિયાન’ દરમિયાન, સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી દરેક તાલુકાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. આ સાથે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ‘108’ની જેમ ‘હેલ્પલાઈન નંબર 1962’ ઉપર ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવા સતત કાર્યરત રહેશે. આ ઉપરાંત, ઘાયલ પક્ષીઓને બચાવવા 764 ટીમો અને જેમાં પક્ષી ફસાઈ ગયા હોય તેવા કપાયેલા પતંગોના દોર કાઢવા માટે 584 ટીમો જોડાયેલી રહેશે.
 રાજ્યના 675 પશુ દવાખાનાઓમાં 453 પશુ ચિકિત્સકો ઉપરાંત, 2353 સ્વયંસેવકો અને વન વિભાગના 2619 કર્મયોગીઓ ઘાયલ પક્ષીઓ માટે ખડે પગે કાર્યરત રહેશે. આ રીતે ‘કરુણા અભિયાન’ ખરા અર્થમાં જીવ માત્ર માટે કરુણા દાખવવાના રાજ્ય સરકારના નિર્ધારને ચરિતાર્થ કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer