ફિલ્ડ માર્શલ છાત્રાલયમાં વિજયાબેન કણસાગરા ઓડિટોરિયમનું લોકાર્પણ

ફિલ્ડ માર્શલ છાત્રાલયમાં વિજયાબેન કણસાગરા ઓડિટોરિયમનું લોકાર્પણ

રાજકોટ: શૈક્ષણિક વિકાસ સમિતિ (પટેલ સેવા સમાજ) સંચાલિત ફિલ્ડમાર્શલ કન્યા છાત્રાલયના કેમ્પસમાં વિજયાબેન પોપટભાઈ કણસાગરાના નામ અને તેના દાનથી નિર્મિત આધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ ઉંઝા મંદિરના ઉપપ્રમુખ તથા ફિલ્ડ માર્શલ અને ગોવાણી કન્યા છાત્રાલયમાં આદ્ય સ્થાપક ચેરમેન પોપટભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓના અધ્યક્ષ પદે યોજાયેલ આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ પ્રહલાદભાઈ કામેશ્વર (અમદાવાદ), સીદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ, ઉંઝા મંદિરના ટ્રસ્ટી મણીભાઈ મમ્મી, મંત્રી દિલીપભાઈ નેતાજી, પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ કણસાગરા, બાન ગ્રુપના મૌલેશભાઈ ઉકાણી, ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સભાના સમારંભમાં ઉંઝા મંદિરના સદગત પ્રમુખ વિક્રમભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પોપટભાઈ પટેલે અધ્યક્ષીય ભાષણમાં જણાવ્યું કે 21મી સદીએ જ્ઞાનની સદી છે જેની પાસે નોલેજ પાવર હશે તે જ જગત પર શાસન કરશે. પ્રહલાદભાઈ કામેશ્વરે જણાવ્યું કે વર્ષો પછી આજે નારી શક્તિ જાગૃત થઈ છે, તેને અભ્યાસ દ્વારા નવી પાંખો મળી છે, હવે તેને કોઈ રોકી નહીં શકે. મણીભાઈ મમ્મીએ જણાવ્યું કે, પાટીદાર સમાજ એ ગુજરાતનો પાણીદાર સમાજ છે. પુરુષાર્થ અને સંઘર્ષ થકી તેણે વિશ્વના લોકોનું ધ્યાન આકૃષ્ટ કર્યું છે. બી.એચ.ઘોડાસરા તથા ડો.ભાણજીભાઈ કુંડારિયાએ પણ સભાને સંબોધિત કરી હતી. કાર્યક્રમમાં વિભિન્ન વક્તાઓ દ્વારા મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણ માટે નારી શક્તિને ઉજાગર કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer