જવાનોની ચપળતાથી મોટી દુર્ઘટના ટળી

જવાનોની ચપળતાથી મોટી દુર્ઘટના ટળી
ઉપલેટા/ઢાંક, તા.13: ઉપલેટાના પ્રાંસલા ગામે યોજાયેલી રાષ્ટ્રકથા શિબિરમાં લાગેલી ભીષણ આગ એટલી ભયાનક હતી કે, જો આર્મીના જવાનો ન હોત તો શું થાત એની કલ્પના કંપારી છોડાવે એવી છે, તો બીજી એક એવી પણ વાત જાણવા મળે છે કે, લશ્કરના જવાનોની બિલાડી જેવી ચપળતાએ મોટો બ્લાસ્ટ થતાં અટકાવી દીધો, જો એ ચપળતા દાખવવામાં આવી ન હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકે, એની કલ્પના કરવી મુશ્કેલ છે.
જે જગ્યાએ આગ લાગી હતી, તેની સામેની બાજુએ લશ્કરી સરસામાન અને દારૂગોળો રાખવામાં આવ્યા હતા. જ્યાં આગ લાગી ત્યાં મોટા પ્રમાણમાં નાળિયેરીના વૃક્ષો છે, આગને કારણે નાળિયેરીમાંથી નાળિયેર ફાટીને દારૂગોળા પર પડયું. લશ્કરના જવાને એ જોતા તુરંત જ બિલ્લીની ચપળતાથી ટેન્ટ ઉપર ચડીને એ ફાટેલા નાળિયેરની આગ બુઝાવી હતી. જો આ ચપળતા દાખવવામાં ન આવી હોત અને આગ બુઝાણી ન હોત તો દારૂગોળાનો બ્લાસ્ટ થઈને કેવડી મોટી દુર્ઘટના સર્જાત એની કલ્પના પણ રૂંવાડા ઉભા કરી દે તેવી છે.
ઉપલેટાના અહેવાલ મુજબ આ શિબિરાર્થીઓને લશ્કરી સરજાંમ અને સૈન્યની માહિતી મળી રહે તેવા હેતુથી આર્મી એન.ડી.આર.એફ., બી.એસ.એફ.ની ટુકડીઓ હાજર હતી. ભાગ લેવા આવેલા શિબિરાર્થીને લશ્કરી સરંજામ પ્રદર્શન બતાવી માહિતી દ્વારા કેમ્પમાં દારૂગોળા સાથે મોટા પ્રમાણમાં સેનાના હથિયારો વિશે પણ માહિતગાર કરાયા હતા.
ગઈકાલે રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલુ હતા. ત્યારે શિબિરાર્થીઓ માટે લશ્કર દ્વારા તૈયાર કરવામાં આવેલા યુવતીઓ માટેના ટેન્ટમાં યુવતીઓ આરામ કરી રહી હતી. તે દરમિયાન રાત્રીના લગભગ 11-30 વાગ્યાના આસપાસ ટેન્ટનો મહિલા વિભાગ કે જેમાં લગભગ આશરે 50 થી 60 જેટલા ટેન્ટ સામેલ હતા, તેમની અંદર અચાનક શોર્ટશર્કિટને કારણે આગ લાગતા રાષ્ટ્રકથા શિબિરના કાર્યક્રમમાં ભાગમભાગ અને અફડાતફડી  મચી ગઈ હતી.
આ ભાગમભાગમાં વ્યવસ્થાપકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો ચાલુ હતા તે દરમિયાન આગે એટલું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું કે, તાત્કાલિક ધોરણે ઉપલેટા, ધોરાજીના ફાયર ફાઈટરોને બોલાવવા પડયા હતા. પરંતુ ફાયર ફાઈટરો પહોંચે તે પહેલા સેનાના જવાનોએ એકશનમાં આવી તાત્કાલિક ત્યાં હાજર રહેલી યુવતીઓનો બચાવ કર્યો હતો. અન્ય ટેન્ટમાં ફસાયેલી યુવતીઓને બહાર કાઢતી વખતે ભયાનક આગ અને ધૂમાડાના ગોટેગોટા વચ્ચે યુવતીઓ કઈ બાજુથી બહાર નીકળવું તે મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં અંદર કેટલીક ફસાયેલી યુવતીઓ ફસાઈ ગઈ હતી. તો બીજી તરફ આગ વધુ ન પ્રસરે અને બીજા ટેન્ટ સુધી ન પહોંચે  તે માટે સેનાના જવાનો સતત કાર્યશીલ હતા.
તદ્ ઉપરાંત 21 જેટલા શિબિરાર્થીઓ કે જેઓ નાના મોટા પ્રમાણમાં દાઝયા હતા. તેઓને પ્રથમ ઉપલેટાની કોટેજ હોસ્પિટલ અને તેમાંથી ત્રણ જેટલા વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોવાથી રાત્રે જ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે, રેન્જ આઈ.જી. પટેલ, જિલ્લા પોલીસ વડા અંતરિપ સુદ, ડેપ્યુટી કલેકટર અને ઉપલેટા મામલતદાર સહિત ભાયાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ બનાવમાં ઈજાગ્રસ્ત દાઝેલા 21 લોકોને ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લાવવાના સમાચારો રાત્રે 12-00 વાગ્યે મળતા ગ્રામજનો હોસ્પિટલ ખાતે એઠા થઈ ગયા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર તથા નગરપાલિકાના પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયાએ હોસ્પિટલ ખાતે પહોંચીને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બન્યા હતા. ત્યારે રાત્રીના જ બનાવ મોટો જણાતા ટી.વી.ચેનલોમાં બ્રેકીંગ ન્યૂઝ તરીકે આવતા સમગ્ર દેશમાં આ બનાવની જાણ થતા ગુજરાત સૌરાષ્ટ્ર અને આસપાસના યુ.પી.બિહાર સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા શિબિરાર્થીઓના માતા-પિતાના ફોન શરૂ થઈ ગયા હતા. પ્રાંસલા ભૌગોલિક સ્થિતિએ એવી જગ્યાએ હોય જ્યાં ફોન ઘણી વખત લાગતા પણ ન હોય એવા સંજોગોમાં વાલીઓ દ્વારા પોતાના સંતાનો સાથે વાત-ચીત કરવા માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ બનાવની જાણ ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા કોંગ્રેસના આગેવાનો લાખાભાઈ ડાંગર, કૃષ્ણકાંત ચોટાઈ, બાબુભાઈ ડેર, નારણભાઈ આહિર (ગઢાળા), જયદેવસિંહ વાળા, હકુભા વાળાએ મુલાકાત લઈ બનાવ અંગે દુ:ખ વ્યકત કર્યું હતું.  સાથે સાથે આ આગેવાનોએ એન.ડી.આર.એ.ની ટીમના સદસ્યોને મળી તેઓએ જે કામગીરી રાત્રીના સમયે હાથ ધરી યુવતીઓનો આબાદ બચાવ કર્યો તે બદલ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
આમ આ બનાવ બનતાથી સાથે જ શિબિરના બાકી રહેલા બે દિવસના તમામ કાર્યક્રમો રદ કરી લશ્કરના તમામ જવાનો, યુવાન-યુવતીઓને માદરે વતન પહોંચાડવામાં આવ્યા હતા.
ઢાંકના અહેવાલ મુજબ રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. આર્મી એનડીઆરએફ અને નેવીના જવાનોએ શિબિર સ્થળ આસપાસ સર્ચ ઓપરેશન પણ કરીને કિશોરીઓને સલામત સ્થળે ખસેડી હતી.
આ ભિષણ આગને કાબુમાં લેવા ધોરાજી, ઉપલેટશ, પોરબંદરથી ફાયર ફાઈટરો બોલાવવામાં આવ્યા હતા. તેમજ આગને કારણે દાઝી ગયેલી કિશોરીઓ અને નાસભાગમાં જેઓને ઈજા થઈ હતી, તેઓને હોસ્પિટલે પહોંચાડવા માટે 108 સહિત 40 જેટલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અંદાજે એક કલાકથી વધુ સમય અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, આગ લાગતાની સાથે જ કિશોરીઓમાં નાસભાગ અને ગભરાટ ફેલાયો હતો. આર્મીના જવાનોએ કિશોરીઓને સૌપ્રથમ સલામત સ્થળે ખસેડી હતી. કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, કિશોરીઓમાંથી ડર દૂર કરવા મોડી રાત્રે આર્મીના અધિકારીઓએ કાઉન્સેલિંગ કર્યું હતું અને ડર દૂર કરવાની કોશિષ કરી હતી.
દાઝેલી 21 શિબિરાર્થિઓ
(1)          મકવાણા નિલમ બુધાભાઈ (ઉ.વ.10) ગામ આંબરડી
(2)          નયનાબેન કરશનભાઈ મકવાણા (ઉ.વ.16) બગસરા
(3)          નિશાબેન લક્ષ્મણભાઈ શેખાવત (ઉ.વ.18) સુરત
(4)          ગોંડલીયા મહેકભાઈ વીપુલભાઈ (ઉ.વ.14) બાલાપુર
(5)          માણેક ધ્રુવીશા દિલીપભાઈ (ઉ.વ.16) બાલાપુર
(6)          ગોંધવીયા ખુશી મુકેશભાઈ (ઉ.વ.14) મોરબી
(7)          દેલવાડીયા પ્રિયા અરવિંદભાઈ (ઉ.વ.17) ધ્રોળ
(8)          વાઘેલા ભાવનાબેન પ્રફુલભાઈ (ઉ.વ.18) ધ્રોળ
(9)          વાછાણી ધિનલ દીનેશભાઈ (ઉ.વ.18) ધ્રોળ
(10)        સાપરીયા નેહા ભુપેન્દ્રભાઈ (ઉ.વ.16) ધ્રોળ
(11)        લાલપરા આરજુ કિશોરભાઈ (ઉ.વ.16) ધ્રોળ
(12)        આરદેશણા બંસી ભનુભાઈ (ઉ.વ.16) ધ્રોળ
(13)        વાંસજાળિયા ઉર્વશી પ્રકાશભાઈ (ઉ.વ.16) ધ્રોળ
(14)        હબીબા સુલતાના (ઉ.વ.15) આસામ
(15)        વીરડીયા દિક્ષીત સંજયભાઈ (ઉ.વ.16) રાજપરા
(16)        ઓસાહેબ મમતા શિવદાસભાઈ (ઉ.વ.16) રાજપરા
(17)        કરમુર હેતલબેન ભીમજીભાઈ (ઉ.વ.16) રાજપરા
(18)        ચાવડા અનીષા હરદાસભાઈ (ઉ.વ.17) દ્વારકા ભાટિયા
(19)        પ્રતીકનાયક પ્રજ્ઞનાયક (ઉ.વ.17) તામિલનાડુ
(20)        લીલિયા ખાતુર ઉસ્માનઅલી (ઉ.વ.15) આસામ
(21)     આંબલીયા માયા ભુપતભાઈ (ઉ.વ.15) ભાટિયા દ્વારકા

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer