આકાશરૂપી કોરાક્ષેત્રમાં આજે પતંગ-દોરીના આયુધોથી ખેલાશે યુધ્ધ !

આકાશરૂપી કોરાક્ષેત્રમાં આજે પતંગ-દોરીના આયુધોથી ખેલાશે યુધ્ધ !
રાજકોટ, તા. 13: પતંગ ઉડાડવાથી લઇને પેચ લગાવવા સુધીનાં ઉન્માદથી છલકતું પર્વ મકરસંક્રાંતિરૂપે 14 જાન્યુઆરીએ આવી પહોંચ્યું છે ત્યારે પતંગના ધંધાર્થીઓને ત્યાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. આજની મોડીરાત્રી સુધી પતંગરસિયાઓ મનપસંદ પતંગ ખરીદવાની મનગમતી માથાકૂટ કરીને કાલ સવારથી જ રંગબેરંગી અને નવીનતમ પતંગો સાથે અગાસીએ ધામા નાંખશે. પતંગ ઉડાડનાર, નિહાળનાર અને લૂંટનાર તમામ માટેના આ પ્રિય ઉત્સવના નારાઓ ‘કાપ્યો છે... એ... લપેટ લપેટ...’ સાથે દિવસભર શહેરો અને ગામ-નગરો ગુંજતા રહેશે અને પતંગ આકાશને ચંદરવો બનાવશે.
રાજકોટમાં પણ છેલ્લા પણ દિવસથી પતંગ દોરીની ધૂમ ખરીદી થઇ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે પતંગોત્સવ ધૂમ મચાવનાર છે ત્યારે દાયકાઓ સુધી મકરસંક્રાંતિએ પતંગબાજીથી દૂર રહેલાં નવાબીનગર જૂનાગઢના લોકો પણ આ વર્ષે પતંગ પ્રેમમાં ગળાડૂબ બન્યાં છે.
પતંગના રસિયાઓ અને સામાન્ય લોકો પણ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હોય છે તે ઉત્તરાયણની આવતીકાલે શાનદાર અને પરંપરાગતરીતે ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્તરાયણના દિવસે  એ કાપ્યો.... લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જોવા મળશે. નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ભીડ જોવા મળશે. દરેક વયના લોકો મનમુકીને ઉત્તરાયણની ઉજવણી કરતા નજરે પડશે.
અમદાવાદમાં પતંગની ઉજવણીની પરંપરાનો ઇતિહાસ ખૂબ જુનો છે. અમદાવાદ  ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટેનું એક અનોખુ સ્થળ બની ગયુ છે. ભારતમાં માત્ર અમદાવાદની અંદર જ પતંગની સૌથી વધારે બોલબાલા જોવા મળે છે. પતંગ બજારનું કદ પણ અભૂતપૂર્વ સપાટી પર પહોંચી ગયુ છે. નવી નવી બનાવટનું સૌથી મોટુ હોલસેલ બજાર તરીકે અમદાવાદ ઉભરી આવ્યું છે. અમદાવાદમાંથી જ જુદી જુદી જગ્યાઓ ઉપર પતંગો પહોંચાડવામાં આવે છે.
છોટા ભીમ, બેનટેન, સુપરમેન જેવા કાર્ટૂનના ચિત્રવાળા પતંગ પણ બજારમાં વધારે પ્રમાણમાં વેચાઈ ચુક્યા છે. આવતીકાલે ઉત્તરાયણના દિવસે આ પતંગોની બોલબાલા રહેશે.  અમદાવાદ શહેરમાં ખાસ કરીને પોળમાં પતંગની ઉજવણી વધારે શાનદાર રીતે થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer