અંડર 19 વિશ્વકપ આજથી ભારતના અભિયાનનો પ્રારંભ

અંડર 19 વિશ્વકપ આજથી ભારતના અભિયાનનો પ્રારંભ
માઉન્ટ માઉન્ગનુઈ, તા. 13 (પીટીઆઈ) : આજથી ન્યૂઝીલેન્ડમાં અંડર 19 વર્લ્ડકપનો આરંભ થયો હતો. રાહુલ દ્રવિડના કોચીંગ તળે યુવા ટીમ ઈન્ડિયા આવતી કાલે અહીં પોતાની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
ભારત અંડર 19 વિશ્વકપમાં ત્રણ વાર ચેમ્પિયન બની ચૂક્યું છે. છેલ્લે 2014માં ભારતે વિજેતાપદ મેળવ્યું હતું.
દ્રવિડ ઘણા સમયથી અંડર 19 અને ભારત એ ટીમનો કોચ છે અને તેના માર્ગદર્શન તળે ભારતીય ટીમ સુંદર દેખાવ કરવા માટે આતુર છે. ટીમનો સુકાની મુંબઈનો પૃથ્વી શો પર બેટિંગનો મુખ્ય મદાર રહેશે. ઉપરાંત હિમાંશુ રાણાએ પણ યુથ વનડેમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. ત્રીજા ક્રમે પંજાબનો શુભમાન ગિલ રહેશે તો મધ્યહરોળમાં અનુકૂલ રોય અને અભિષેક શર્મા મોરચો સંભાળશે.
બોલીંગમાં બંગાળનો ઝડપી બોલર ઈશાન પોરેલ ચાવીરૂપ રહેશે. ખેલાડીઓ ટુર્નામેન્ટ શરૂ થયાના ઘણા દિવસ પહેલા જ પહોંચી ગયા હોવાથી વાતાવરણને અનુકૂળ થઈ ગયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer