ઉદ્યોગોને બદલે ખેડૂતોને નર્મદાનું પાણી આપો: કોંગ્રેસ

અમદાવાદ, તા.13 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજ્યની ભાજપા સરકાર દ્વારા નર્મદા યોજના પૂર્ણ થવાના નાટકરૂપે નર્મદા મહોત્સવ ઉજવવામાં આવ્યો, આખા ગુજરાતમાં ખેડૂતોને થનારા લાભની વાતો કરવામાં આવી અને રાજ્યમાં ચૂંટાઇને આવ્યાના એક મહિના કરતા પણ ઓછા ગાળામાં નર્મદાના સિંચાઇના પાણી પર કાપ મુકવામાં આવ્યો તેનાથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થશે ત્યારે ઉદ્યોગોને મફતમાં મળતા પાણી પર કાપ મુકી ખેડૂતોને પાણી આપવાની માગ કોંગ્રેસે કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, નર્મદા યોજનામાંથી ગુજરાતના ભાગે આવનાર 9 એકર મિલિયન ફીટ પાણી વર્ષોથી ઉપલબ્ધ છે પરંતુ ભાજપા સરકારની ગુનાહિત બેદરકારીના કારણે 43000 કી.મી.ની નર્મદા કેનાલ, માઇનેર, સબ માઇનોર તથા ફિલ્ડ ચેનલ બની નથી પરિણામે નર્મદાનું પાણી દરિયામાં વહી જાય છે અને ગુજરાતના ખેડૂતોને નર્મદાનું પાણી મળતું નથી. દરવાજા બંધ કરવાથી જે વીજળી પેદા થશે તે તો પડોશી રાજ્યોને આપવાની છે. ગુજરાતનો વીજળીનો હિસ્સો નહીંવત છે. ગુજરાતના સાચો ફાયદો પાણીનો છે. કેનાલના કામો માટે કોઇની મંજૂરીની જરૂર ન હોવા છતાં કેનાલના કામ 22 વર્ષ સુધી કેમ પૂર્ણ ન કર્યા? ભાજપા તેનો જવાબ આપે.
નર્મદા ડેમમાં 121.92 મીટર ઉંચાઇ હતી ત્યારે દર મહિને 2 મીટર પાણી ઘટતું જતું હતું  ત્યારે એવો ખુલાસો કરવામાં આવે છે કે નદીમાં ઓવરફલો થતાં પાણીની મદદથી સોરાષ્ટ્રના સરોવર ભરવામાં આવ્યા હતા. જો કે હકકીત એવી છે કે, ચૂંટણી સમયે થયેલા તળાવોના ઉદ્દઘાટન માટે આ પાણીથી સરોવર ભરાયા હતા હવે તેનો ભોગ ખેડૂતોએ બનવાનો વારો આવ્યો છે. રાજ્યમાં જે પ્રમાણે ખેડૂતોની સબસીડી, પાણી અને વીમાને લઇને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer