મજબૂત શરૂઆત બાદ દ.આફ્રિકાના 6 વિકેટે 269

મજબૂત શરૂઆત બાદ દ.આફ્રિકાના 6 વિકેટે 269
સેન્ચુરિયન, તા. 13 : ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યા બાદ દક્ષિણ આફ્રિકાએ સેન્ંચુરિયન ટેસ્ટના પહેલા દિવસની રમત પુરી થયા સુધીમાં 6 વિકેટે 269 રન બનાવી લીધા છે. કેપ્ટન ડુ પ્લેસિસ 24 અને કેશવ મહારાજ 10 રને બેટિંગમાં છે. ભારત તરફથી ઓફ સ્પિનર આર.અશ્વિને ત્રણ અને ઈશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી. બીજી તરફ આફ્રિકા તરફથી માર્કરમે સૌથી વધારે 94 રન ફટકાર્યા હતા. જ્યારે હાસિમ અમલાએ 82 રનની ઈનિંગ રમી હતી.
દિવસના છેલ્લા તબક્કામાં ભારતે વાપસી કરી હતી. આ સેશનમાં ભારતને કુલ 4 સફળતા મળી હતી. જેમાં દક્ષિણ આફ્રિકાના બે બેટધરો રનઆઉટ થયા હતા. ટી બ્રેક સુધી દક્ષિણ આફ્રિકા બે વિકેટે 182 બનાવીને મજબુત સ્થિતીમાં હતું. આફ્રિકાનો એડમ મર્કરમ 94 રને આશ્વિનનો શિકાર બનીને સદી ચૂક્યો હતો. માર્કરમે 150 બોલનો સામનો કરીને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. માર્કરમે આઉટ થતા ડીઆરએસની માગ કરી હતી જો કે તે દુર્ભાગ્યશાલી રહ્યો હતો. ટી બ્રેક બાદ ઈશાંત શર્માએ ડી વિલિયર્સને બોલ્ડ કરીને પહેલી સફળતા મેળવી હતી. ત્યારબાદ 246 રનના સ્કોરે હાર્દિક પંડયાએ સિધા થ્રોમાં રનઆઉટ કરીને હાસિમ અમલાને 82 રને પેવેલિયન ભેગો કર્યો હતો. અમલાની વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાના સ્કોર બોર્ડમાં માત્ર ચાર જ રન  ઉમેરાયા હતા તેવામાં અશ્વિને ક્વિંટન ડિ કોકની વિકેટ ઝડપી લીધી હતી. મેચમાં ફરી એક વખત બુમરાહ અને શમી ખાસ કરતબ બતાવી શક્યા નહોતા અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ ભારતના મુખ્ય બોલિંગ આક્રમણને સરળતાથી રમતા જોવા મળ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer