અમરેલીમાં આંગડિયા પેઢીના કર્મચારી ઉપર હુમલો કરી થેલાની લૂંટ

અમરેલી, તા.13 : અમરેલીના ચક્કરગઢ રોડ પર આંગડિયા પેઢીના કર્મચારી ઉપર બોથડ પદાર્થથી હુમલો કરી થેલાની લૂંટ ચલાવી બે બાઈક પર આવેલા ચાર લૂંટારૂઓ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા અને ગુજરાત આંગડિયા પેઢીમાં નોકરી કરતા રામભાઈ નરસંગભાઈ નાડોદા નામના કર્મચારી ગતરાત્રીના આંગડિયા પેઢીમાંથી રોકડ સહિતની માલમતા ભરેલો થેલો લઈને સાઈકલ પર બેસી ઘેર જવા નીકળ્યા હતા.
દરમિયાન ચક્કરગઢ રોડ પર પહોંચ્યા હતા ત્યારે પાછળથી બે બાઈક પર ચાર અજાણ્યા શખસો ધસી આવ્યા હતા અને રામભાઈ નાડોદાના માથામાં બોથડ પદાર્થ ફટકારી થેલાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રામભાઈને સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે આંગડિયા પેઢીના મેનેજર કનકસિંહ ગંભીરસિહ રાજપૂતની ફરિયાદ પરથી ચાર અજાણ્યા લૂંટારૂઓ વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer