પ્રાંસલાની આગ: કલેકટરને તપાસનો આદેશ

પ્રાંસલાની આગ: કલેકટરને તપાસનો આદેશ
રાષ્ટ્રકથા શિબિરમાં આગમાં ભોગ બનેલી 3 વિદ્યાર્થિનીના પરિજનોને રાજ્ય સરકાર દ્વારા 4-4 લાખની સહાય

(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.13: ઉપલેટાથી 20 કિ.મી. દૂર પ્રાંસલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામી ધર્મબંધુજી દ્વારા યોજાયેલી રાષ્ટ્રકથા શિબિરના અંતિમ દિનની પૂર્વ રાતે શિબિરાર્થી બહેનોના રહેવાના ટેન્ટમાં ભિષણ આગ ફાટી નીકળતા ત્રણ યુવતીના મૃત્યુ નિપજ્યા હતાં. 20થી વધુ યુવતીઓ દાઝી ગઇ હતી.
રાજ્ય સરકારે મૃતક યુવતીના પરિવારને 4-4 લાખની સહાય અને કલેકટરને આ આગજનીની તપાસના આદેશ આપ્યા છે. દર વર્ષની જેમ આ શિબિરમાં દેશભરમાંથી દશ હજારથી વધુ યુવા ભાઇ-બહેનો ભાગ લે છે. શનિવારે આ રાષ્ટ્ર કથા શિબિરનો છેલ્લો દિવસ હતો. શુક્રવારે અભિનેતા મુકેશ ખન્ના સહિતના મહેમાનોને સાંભળીને, જમ્યા બાદ  સૌ સૂવા ગયા હતાં ત્યારે આ ઘટના બની હતી.
કહે છે કે, કૃપા નામની એક વિદ્યાર્થિની તેના ટેન્ટમાં બલ્બ કાઢીને મોબાઇલ ફોન રિચાર્જ કરવા માટે વાયર ચડાવતા જ ભડાકો થયો હતો અને ટેન્ટ સળગી ઉઠયા હતાં. બે વિદ્યાર્થિની ઘેરી નીંદરમાં હતી, ત્યાં એમની ઉપર ટેન્ટનું સળગતું કપડુ પડતા એ બંનેના કરૂણ મૃત્યુ થયા હતાં. હો-ગોકીરો અને ભાગમ ભાગ મચી પડી હતી. કહે છે કે, કૃપાલી દવે નામની શિબિરાર્થીને બહાર નીકળી ગઇ હતી પરંતુ પોતાનો મોબાઇલ ફોન ભૂલાઇ ગયો હોવાનું યાદ આવતા અચાનક દોડીને અંદર ગઇ હતી, એ વખતે જ તેની ઉપર સળગતુ કપડુ પડતા આગનો ભોગ બની હતી.
અમદાવાદના અહેવાલ મુજબ, પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં લાગેલી આગના મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરતા રાજકોટ કલેક્ટરને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સાથે જ મુખ્યપ્રધાને મૃતક વિદ્યાર્થિનીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમના પરિવારજનોને રૂા.4 લાખની સહાયની જાહેરાત કરી છે.  કલેકટરે ધોરાજી-ઉપલેટાના પ્રાંત ઓફિસરને આ ઘટનાની તપાસ સોંપી છે.
 આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ત્રણેય મૃતક બાળાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા બનાવ અંગે ભારે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાંસલા સ્થિત રાષ્ટ્રકથા શિબિરમાં આવેલા 100 જેટલા તંબુમાં ગઇકાલે રાત્રે બધા સુતા હતા, ત્યારે આગ લાગ્યા બાદ ગણતરીના સમયમાં જ 70 જેટલા તંબુ બળીને ખાખ થઇ ગયા હતાં, જેમાં મોરબીની કૃપાલી અશોકભાઇ દવે, સાયલા તાલુકાની વનિતા જમોડ અને જસદણના આંબરડી ગામની કિંજલ અરજણભાઇ એમ 3 બાળાઓ ગંભીર રીતે દાઝી જતા સ્થળ ઉપર જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે આગ અને અફડાતફડીમાં  ઇજા પામેલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ એસપી અંતરિપ સુદેના જણાવ્યા પ્રમાણે ગઇકાલે રાત્રે જ જે વિસ્તારમાં આગ લાગી હતી તે તંબુમાંથી બાળકોને ખસેડી લેવામાં આવ્યા હતા. આ બાળકોને સલામત રીતે ઘેરે મોકલવાની  વ્યવસ્થા કરવામાં આવી છે,  આગ શા કારણે લાગી હતી તે અંગે ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.
આ ઘટના અંગે  શિબિરના સ્વામી ધર્મબંધુજીએ પણ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, અમારા માટે આ બહુ જ દુ:ખદ ઘટના છે પરંતુ અમને અફસોસ થાય છે કે અમે 3 વિદ્યાર્થિનીઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા. આ ઘટનાને પગલે ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓની મુલાકાત લીધી હતી.
 
11-40 વાગે આગ લાગી અને 10 મિનિટમાં બધું ભડ ભડ સળગી ઉઠયું
ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ કહ્યું હતું કે, રાષ્ટ્રકથાના લેડીઝ વિભાગમાં રાતે 11-40 વાગે આગ લાગી હતી અને 10 મિનિટમાં 4 બધું ભડ ભડ કરતા સળગી ઉઠયું હતું. ટેન્ટમાં કાપડ ઉપર મીણ પાયેલું હોય જેથી પવનની અસર ઓછી થાય પણ આ મીણથી આગે તુરત જોર પકડયું. ગાદલા પણ પીલોના હતાં. એ પણ સળગી ઉઠયા હતાં. તેમણે કહ્યું કે, વિદ્યાર્થિનીઓ તો સુતી હતી, તેમની ઉપર સળગતુ કપડુ પડયું અને બંને મૃત્યુને ભેટી. કૃપાલી નામની ત્રીજી વિદ્યાર્થિની નેતો જવાનોએ બહાર કાઢી લીધી હતી. પરંતુ પોતાનો મોબાઇલ ફોન અંદર રહી ગયો હોવાથી તે અચાનક દોડીને ફરી અંદર ગઇ હતી,  જ્યાં આગનો ભોગ બની હતી, શ્રી વસોયાએ કહ્યું કે, એન.ડી.આર.એફ.ના જવાનોની કામગીરી કાબિલે દાદ હતી. જો તેઓ ન હોત તો આ મૃત્યુ આંક કેટલો થયો હોત તેને કલ્પના પણ ધ્રુજાવી દે એવી છે. શ્રી વસોયાએ ગઇ રાતે અને આજે પણ પ્રાંસલાની મુલાકાત લીધી હતી. આવતી કાલે 200થી વધુ સમૂહ લગ્નોનો કાર્યક્રમ આ ઘટનાને પગલે રદ કરાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer