‘સંકટની સ્થિતિ નથી’

‘સંકટની સ્થિતિ નથી’
સીજેઆઈ સામે અસંતોષ ઠાલવનાર બે જજ ગોગોઈ અને
જોસેફે આપેલી સાંત્વના : ન્યાયના હિતમાં અવાજ ઉઠાવ્યો

નવીદિલ્હી, તા.13 : સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીસ (સીજેઆઈ) સામે કેસની વહેચણી બાબતે જાહેરમાં અસંતોષ ઠાલવ્યા બાદ આજે સુપ્રીમનાં ચાર વરિષ્ઠ જજ પૈકી જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ કુરિયન જોસેફે પ્રસાર માધ્યમો સાથે વાત કરીને કહ્યું હતું કે કોઈ કટોકટી, સંકટની સ્થિતિ નથી. જસ્ટીસ ગોગોઈએ આજે એક સમારોહનાં ઉપક્રમે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવ્યો ત્યારે ન્યાયતંત્રનાં આંતરદ્વંદ વિશે કહ્યું હતું કે કોઈ જ કટોકટીની હાલત નથી. જો કે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તેમનાં દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં શિસ્ત ભંગ ગણાય કે નહીં ત્યારે તેમણે ટિપ્પણી કરવાનું ટાળતાં કહ્યું હતું કે તેમને લખનઉ જવા માટે વિમાન પકડવાનું છે અને તેઓ બીજું કંઈ કહી શકે તેમ નથી.
ચાર વરિષ્ઠ જજો પૈકી જસ્ટીસ કુરિયન જોસેફે આજે આશા વ્યક્ત કરી હતી કે તેમનાં તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ઉકેલી લેવામાં આવશે. ન્યાય અને ન્યાયપાલિકાનાં હિતમાં અવાજ ઉઠાવ્યો હોવાનું કુરિયન જોસેફે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટનાં ચાર સિનિયર જજ ચેલામેશ્વર, મદન લોકુર અને રંજન ગોગોઈ ઉપરાંત કુરિયન જોસેફે ચીફ જસ્ટીસ ઉપર કેસની વહેંચણીમાં પક્ષપાતનો આક્ષેપ કર્યો હતો અને ન્યાયતંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ખડા કરી દીધા હતાં.
જો કે આ ઘટસ્ફોટ કરવાં માટે પત્રકાર પરિષદનો માર્ગ અપનાવીને અદાલતી અનુશાસનનો ભંગ કરવાં અંગે તેમણે કહ્યું હતું કે આમાં એવું કંઈ જ થયું નથી. તેમનાં આ પગલાં પછી સુપ્રીમ કોર્ટનાં પ્રશાસનમાં વધુ પારદર્શિતા આવશે તેવી અપેક્ષા છે. એક મુદ્દો સામે આવ્યો છે. હવે તે પ્રકાશમાં આવી ગયું છે તો ઉકેલ પણ આવશે. ન્યાય પાલિકામાં લોકોનો વિશ્વાસ વધારવા માટે જ આ કરવામાં આવ્યું છે.
કેરળમાં પોતાનાં પૈતૃક આવાસે મલયાલી ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ ન્યાય અને ન્યાયપાલિકાનાં હિતમાં ઉભા થયા છે. તેનાથી વધુ કંઈ જ કહેવા માગતાં નથી.
 
સુપ્રીમ વિવાદ: બાર કાઉન્સીલે સમિતિ રચી
તમામ જજો સાથે મુલાકાત કરીને મામલો ઉકેલવા માટે થશે પ્રયાસ
નવીદિલ્હી, તા.13: દેશનાં ઈતિહાસમાં પ્રથમવાર સુપ્રીમ કોર્ટનાં ચાર વરિષ્ઠ ન્યાયધિશોએ પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) સામે અસંતોષ ઠાલવ્યા બાદ ન્યાયપાલિકા સાથે સંબંધિત સમગ્ર આલમની નજર વિવાદ અને ઘટનાક્રમો ઉપર છે. આ દરમિયાન આજે બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાએ આજે મતભેદો ઉકેલવાની દિશામાં પહેલ કરી હતી. જેમાં સાત સભ્યોની  એક સમિતિ રચવામાં આવી છે. જે તમામ જજો સાથે મુલાકાત કરીને વિવાદ ઉપર વાતચીત કરશે.
બાર કાઉન્સીલ દ્વારા આજે સાંજે પાંચ કલાકે એક મહત્વની બેઠક બોલાવાઈ હતી. જેમાં સર્વાનુમતે 7 સભ્યોની એક સમિતિ રચવાનો નિર્ણય લેવાયો હતો. બાર કાઉન્સીલનું આ પ્રતિનિધિમંડળ બધા જ જજને મળશે. આનાં માટે જજોનાં સમય પણ મેળવવામાં આવી રહ્યા છે. અડધા ન્યાયાધીશો તરફથી આનાં માટે સહમતી પણ દર્શાવી દેવામાં આવી છે. અન્યોની પણ મુલાકાત માટે પરવાનગી મેળવી લેવાશે.
બાર કાઉન્સીલનાં અધ્યક્ષ મનન મિશ્રાએ આગળ જણાવ્યું હતું કે સમિતિ દ્વારા બારની ભાવનાઓ બાબતે જજોને અવગત કરાવવામાં આવશે અને મામલાનો શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે અનુરોધ કરવામાં આવશે. ન્યાયતંત્ર ઉપર લોકોને અતૂટ આસ્થા છે અને એવું કંઈ બનવા દેવાશે નહીં જેનાંથી તેને આઘાત પહોંચે.
રોસ્ટરીંગ જેવા નજીવા પ્રશ્નને લઈ ગઈકાલે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) સામે સવાલો ઉઠાવનાર સુપ્રીમ કોર્ટના 4 ન્યાયાધીશોની બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આજે આલોચના કરી હતી. આ ઉપરાંત આ મુદ્દે રાજનેતાઓએ રાજકારણ ન કરવું જોઈએ તેવી ટકોર પણ કરવામાં આવી હતી. બારના ચેરમેન મનનકુમાર મિશ્રાએ કહ્યું હતું કે જાહેર મંચ પર જવાને બદલે આ બાબતનો આંતરિક રીતે નિરાકરણ લાવી શકાયું હોત. આ તો ખેદજનક છે. જો સર્વસંમતિ સાધી ન શકાય તો અન્ય જજો કે બાર કાઉન્સિલના સભ્યોને ય આમાં સાંકળી શકાયા હોત. જાહેર મંચ પર તેની ચર્ચા થવી જોઈતી ન હતી. આ તો ખેદજનક છે. આના પરિણામે તો ન્યાયતંત્ર અને તે પછી લોકશાહી નબળા પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer