મહારાષ્ટ્રમાં નૌકા ડૂબતા 4 છાત્રનાં મૃત્યુ: 32નો બચાવ

મહારાષ્ટ્રમાં નૌકા ડૂબતા 4 છાત્રનાં  મૃત્યુ: 32નો બચાવ
નવી દિલ્હી, તા. 13:  શાળાના 40 છાત્રો પ્રવાસ કરતા હતા તે નૌકા મહારાષ્ટ્રના  પાલઘર જિલ્લાના દહાણુ પાસે ઉંધી વળી જતાં ઓછામાં ઓછા 4 છાત્રના મૃત્યુ થયા હતા અને 32ને બચાવી લેવાયા હતા. આજે સવારે દહાણુના કાંઠા સામે આ દુર્ઘટના બની હતી એમ જણાવી જિલ્લા કલેકટર પ્રશાંત નારણાવરેએ ઉમેર્યું હતું કે મોટા પાયે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે તથા ગુમ થયેલાઓને ખોળવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા તથા સ્થાનિક અધિકારીઓ કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે. પારનાકા બીચથી નૌકા ઉપડી હતી, કાંઠાથી બે જ નોટીકલ માઈલ દૂર આ દુર્ઘટના બની હતી. અહેવાલો સૂચવે છે કે વધુ પડતા ઉતારુઓને નૌકા પર લેવાતા આમ બન્યું છે.

પવનહંસ ચોપર દુર્ઘટનામાં 7 ના મૃત્યુ
મુંબઈ, તા. 13: ઓએનજીસીના પાંચ કર્મચારી-જે પૈકી એક મેનેજર હતા-આ સહિત 7 જણાને લઈ જઈ રહેલું પવનહંસનું હેલિકોપ્ટર આજે સવારે મુંબઈના કાંઠા પાસે તૂટી પડયું હતું. ઓછામાં ઓછા ચાર મૃતદેહ મળી આવ્યાનું તટરક્ષક દળે જણાવ્યું હતું. મુંબઈના જુહુ એરપોર્ટેથી સવારે 10 કલાક 20 મિનિટે ઉડાન ભર્યા બાદ તે ગાયબ થઈ ગયું હતું. ઉડાન પછીની પંદર મિનિટ બાદ કાંઠાથી 30 નોટીકલ માઈલ દૂર હતું ત્યારે એર ટ્રાફિક કન્ટ્રોલ સાથે સંપર્ક ગુમાવી દીધો હતો. ડોફિન-એન3 પ્રકારનું ચોપર તેની રાબેતાની સોર્ટી (ફેરા) પર નીકળ્યું હતું અને તે બોમ્બે હાઈની ઓઈલ રીંગ પર 11 કલાકે પહોંચી જનાર હતું એમ સૂત્રો જણાવે છે. સર્ચ કામગીરી સઘન બનાવવાને તટરક્ષક દળ અને નેવી તમામ મદદ કરી રહ્યા છે. સર્ચ કામગીરી માટે ‘આઈએનએસ તેગ’ નામક સ્ટીલ્ધ ફ્રિગેટ તૈનાત કરાઈ છે તેમ જ સર્વેલન્સ વિમાન ‘પી8આઈ’નેય કામે લગાડાયું હોવાનું નેવી જણાવે છે. દમણથી ડોર્નીઅર વિમાન અને હેલિકોપ્ટરો ય કામે લગાડાયાનું તટરક્ષક દળે જણાવ્યું હતું.
ચોપર ગુમ થયા પાછળના કારણ વિશે હજી કંઈ જાણવા મળ્યું નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer