સંતકબીર રોડ પર મનપાનું મેગા ડિમોલિશન,11 દુકાનનો સફાયો

સંતકબીર રોડ પર મનપાનું મેગા ડિમોલિશન,11 દુકાનનો સફાયો

ટીપી શાખાએ નવા વર્ષે મુહૂર્ત કર્યું !: વોર્ડ નં.5માં 15 ઝૂંપડા પણ તોડી પડાયાં
વોર્ડ નં.4 અને 5માં પોણા ત્રણ કરોડના મૂલ્યની દબાણગ્રસ્ત જમીન ખૂલ્લી કરાઈ
રાજકોટ, તા.12 : કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાએ આજે સામાકાંઠા વિસ્તારમાં વર્ષ 2018નું પ્રથમ મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતું જેમાં સંતકબીર રોડ પર 11 દુકાનો, વોર્ડ નં.5માં 15 ઝૂંપડાઓનો સફાયો કરવા ઉપરાંત પોણા ત્રણ કરોડના મૂલ્યની દબાણગ્રસ્ત જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
ટીપીઓ સાગઠિયાના જણાવ્યાનુસાર આજરોજ શહેરના વોર્ડ નં.5માં પેડક રોડ, પ્રમુખ દર્શન કોમ્પ્લેક્સ પાસે આસામી લવજીભાઈ ખોડાભાઈ લાઠીયાનું ગેરકાયદેસર સેલરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નં.6માં સંતકબીર રોડ પાસે કમલેશભાઈ દોમડિયા તથા મહેશભાઈ ડોબરિયાની 7 દુકાન, કાળુભાઈ તથા મેહુલભાઈ દેસાઈની 3 દુકાન, બ્રિજેશભાઈ રમેશભાઈ મેરની 1 દુકાનનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું છે.
આ ઉપરાંત વોર્ડ નં.5માં ટી.પી.સ્કીમ નં.8(રાજકોટ)ના અનામત હેતુ પ્લોટ અંતિમ ખંડ નં.185માં અંદાજે 15 ઝૂંપડાઓના દબાણ દૂર કરી 475 ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી છે જેની કિમત રૂા.2.61 કરોડ રૂપિયા થાય છે. વોર્ડ નં.4માં ભગવતીપરા પાસે ટી.પી.સ્કીમ નં.31(ડ્રાફ્ટ)ના અંતિમખંડ નં.31/બી રેસી.સેલના અનામત હેતુના પ્લોટ પર એક મંદિરનું દબાણ દૂર કરી આશરે 37.80 ચો.મી જમીન ખુલ્લી કરવામાં આવી છે જેની અંદાજિત કિંમત રૂા.14.17 લાખ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે દુકાનો તોડવામાં આવી તે ભાજપના એક અગ્રણીની હતી. ડિમોલિશન રોકવા માટે ભલામણો કે રાજકીય માથાકૂટો થવાની શક્યતાં અંગે તંત્રને આગોતરા જાણ હોઈ તેમ નાના-મોટા તમામ અધિકારીઓએ પોતાના ફોન બંધ કરી દીધા હતાં.
ડિમોલિશનની કામગીરીમાં ટાઉન પ્લાનીગ શાખાના આસિ.ટાઉન પ્લાનર વી.સી.મુંધવા, જી.ડી.જોશી, આર.ડી.પ્રજાપતિ  સહિતનો સ્ટાફ ઉપરાંત સ્થળ પર રોશની શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ તથા જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજીલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer