રાજકોટમાં ખૂન કા બદલા ખૂન : બે પિતરાઈભાઈઓની નજર સામે જ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

રાજકોટમાં ખૂન કા બદલા ખૂન : બે પિતરાઈભાઈઓની  નજર સામે જ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

કુખ્યાત શખસ સહિતની ટોળકીએ સરાજાહેર આતંક મચાવ્યો
રાજકોટ, તા.1ર : રાજકોટમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે તેમજ રાજકીય ડખલગીરી અને પોલીસની નિક્રિયતાના કારણે લુખ્ખા તત્ત્વો બેફામ બન્યા છે. ખૂન કા બદલા ખૂનના ઈરાદે ભીસ્તીવાડમાં રહેતા સંધી યુવાનની તેના બે પિતરાઈ ભાઈઓની નજર સામે જ છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે કુખ્યાત હીસ્ટ્રીશીટર સહિતની ટોળકી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, ભીસ્તીવાડમાં રહેતો અને સદર બજારમાં પતંગની દુકાન ધરાવતા મોહસીન ઉર્ફે અસગર હનીફભાઈ જુણેજા (ઉ.30) નામના સંધી યુવાનની ધર્મેન્દ્ર રોડ પર આવેલી નાસ્તાની રેંકડી પાસે જામનગર રોડ પરના હુડકો સ્લમ કવાર્ટરમાં રહેતો કુખ્યાત હીસ્ટ્રીશીટર રીયાઝ ઈસ્માઈલ દલ, તેના ભાઈ રીઝવાન અને બન્નેના પિતા ઈસ્માઈલ ઉર્ફે બટુક ઈશા દલ (રહે.જંગ્લેશ્વર) તથા શાહરુખ ઉર્ફે રાજા, બાબુ જુણેજા અને ત્રણ અજાણ્યા શખસોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી સ્કોર્પીયો કારમાં નાસી છૂટયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.
આ બનાવ અંગે પોલીસે ભીસ્તીવાડમાં મસ્જિદ સામે રહેતો અને લાતી પ્લોટમાં હેતલ એન્ટરપ્રાઈઝ નામની કુરકુરેની એજન્સીમાં ડીલેવરીમેન તરીકે નોકરી કરતા આબીદ હુશેન જુણાંચ નામના સંધી યુવાનની ફરિયાદ પરથી રીયાઝ ઈસ્માઈલ, રીઝવાન, ઈસ્માઈલ ઉર્ફે બટુક સહિતના શખસો વિરુધ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક મોહસીન જુણેજા તથા તેના બે પિતરાઈ ભાઈ આબીદ જુણાચ તથા રફીક કાસમ હાલા સહિતના મોડીરાત્રીના ધર્મેન્દ્ર રોડ પર રમેશ બ્રધર્સ વાળી શેરીમાં જલારામ નાસ્તા નામની રેંકડીએ નાસ્તો કરવા ગયા હતા. દરમિયાન સફેદ કલરની સ્કોર્પીયો કારમાં રીયાઝ દલ, રીઝવાન દલ અને તેના પિતા ઈસ્માલ ઉર્ફે બટુક, રીઝવાનનો ભાણેજ શાહરુખ ઉર્ફે રાજા અને ત્રણ અજાણ્યા શખસો આવ્યા હતા અને મોહસીન સાથે ઝઘડો કર્યો હતો અને નિઝામની હત્યાનો બદલો લેવા આવ્યા હોવાની વાત ઉચ્ચારી હતી અને હુમલાખોરોએ છરીઓ કાઢી તૂટી પડયા હતા. તેમજ ઈસ્માઈલ દલે રેંકડી પાસે પડેલુ લોખડનું ટેબલ મોહસીનના માથામાં ફટકાર્યું હતું અને મોહસીનના પેટમાં છરીના ઘા ઝીંકી દીધા હતા અને મોહસીન જીવ બચાવી નાસ્યો હતો. પરંતુ હત્યારાઓએ પીછો કરી આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયા હતા.
આ બનાવના પગલે બન્ને પિતરાઈ ભાઈઓ હેબતાઈ ગયા હતા અને બન્નેની નજર સામે જ પિતરાઈભાઈ મોહસીન જુણેજાની હત્યા કરી હત્યારાઓ કારમાં નાસી છૂટયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં 11 માસ પહેલા ઇસ્માઈલ ઉર્ફે બટુક ઈશા દલના ભાઈના પુત્ર નિઝામ સુલેમાન દલની ગાયકવાડીમાં હત્યા કરવામાં આવી હતી. જેમાં મોહસીનના સગા મામા હનીફ, યુસુફ, મહમદ, હુશેન અલી, ઈકબાલ અને કાકા ફારુક હુશેન જુણેજા સહિતના હતા અને થોડા સમય પહેલા જ જામીન પર છૂટયા હતા. જેના કારણે રીયાઝ દલ સહિતના ઉશ્કેરાયા હતા અને નિઝામની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું અને નિર્દોષ મોહસીન જુણેજાની હત્યા કરી નાખી હતી. પોલીસે કુખ્યાત હીસ્ટ્રીશીટર રીયાઝ દલ સહિતની ટોળકીને ઝડપી લેવા માટે દોડધામ શરૂ      કરી હતી.
પરિવારનો આધારસ્થંભ છીનવાયો
રાજકોટ, તા.1ર : હત્યાનો ભોગ બનનાર મોહસીન ઉર્ફે અસગર જુણેજા બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને વિધવા માતાનો આધારસ્થંભ હતો. મૃતક મોહસીનના બે વર્ષ પહેલા જ તેના મામા હનીફભાઈ બાબુજાનમહમદ દલની પુત્રી મહેંદી સાથે લગ્ન થયા હતા. આ બનાવના પગલે સંધી પરિવારમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.
રીયાઝ ફોજદાર પુત્ર સહિત બે હત્યાના ગુનામાં સંડોવાયેલ છે
ભીસ્તીવાડના મોહસીન જુણેજાની હત્યા કરનાર કુખ્યાત રીયાઝ દલ અગાઉ ફોજદાર પુત્રની હત્યા સહિત બે યુવાનની હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer