રૂપાણી અને શિવરાજસિંહે કરી જાહેરાત : રાજ્યના સિનેમાઘરોમાં ફિલ્મ રજૂ નહીં થાય
નવી દિલ્હી, તા. 12 : સેન્સર બોર્ડ દ્વારા સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતીમાં જરૂરી ફેરફાર સૂચવવામાં આવ્યા હતા. આ જરૂરી ફેરફારો સાથે ફિલ્મનું નામ પણ પદ્માવતીમાંથી પદ્માવત કરવામાં આવતા સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને મંજૂરી આપવામાં આવી હતી. જો કે સેન્સર બોર્ડની મંજૂરી છતા પણ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પદ્માવત ફિલ્મ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, અગાઉ નિર્ણય લેવાયો હતો તેને અનુસરીને જ પદ્માવત ફિલ્મ રાજ્યના સિનેમાઘરોમાં રિલિઝ થશે નહીં. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફિલ્મ ઉપર પ્રતિબંધની આજે જાહેરાત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત રાજ્યના સિનેમાઘરોમાં રિલિઝ નહીં થાય. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં અમુક સ્થળોએ ફિલ્મને લઈને વિરોધ પ્રદર્શન થયા હોવાના અહેવાલો પણ બહાર આવ્યા છે. અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, આ ફિલ્મ લાગણી દુભાવતી હોવાથી સરકાર તેને રિલિઝ નહી થવા દે. ગુજરાત સરકાર અભિવ્યક્તિની આઝાદીમાં માને છે પણ સંસ્કૃતિ સાથે છેડછાડ સ્વિકાર્ય નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, એક વખત ફિલ્મ રિલિઝ ન થવાની જાહેરાત કરી દેવાયા બાદ તેઓ આ નિર્ણય ઉપર અફર છે અને જરૂરી સુધારા કરવામાં આવ્યા બાદ પણ ફિલ્મ સિનેમાધરોમાં પ્રસ્તુત કરવામાં નહીં આવે. આ અગાઉ જ્યારે પદ્માવત ફિલ્મનો વિરોધ ચરમસિમાએ હતો ત્યારે શિવરાજસિંહે ફિલ્મ ઉપર પ્રતિબંધનું એલાન કર્યું હતું અને રાણી પદ્માવતીને રાજમાતાનો દરજ્જો પણ આપ્યો હતો.
અમદાવાદ-હિંમતનગરમાં ટાયરો સળગાવી ચક્કાજામ
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.12:મુંબઇમાં કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મ બાબત સેન્સર બોર્ડના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ વિરોધની આગ ગુજરાત સુધી પહોંચી છે. આજે અમદાવાદમાં મહાકાલ સેના દ્વારા બેનરો સાથે સુત્રોચ્ચાર પોકારી ટાયર બાળવામાં આવ્યા હતા. જ્યારે હિંમતનગરમાં કરણી સેના દ્વારા રસ્તાઓ ઉપર ટાયર સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં એસ.પી.રીંગ રોડ પર મહાકાલ સેનાના કાર્યકરો દ્વારા, હિંમતનગરમાં કરણી સેનાએ નેશનલ હાઇવે આઠ પર ચક્કાજામ કર્યો હતો. જેથી એક કિલોમીટર સુધી ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. બીજી તરફ ભિલોડાના વોટડા ટોલ બુથ પાસે પણ કરણી અને મહાકાલ સેનાએ ચક્કાજામ કર્યો હતો.
ગુજરાત-મધ્યપ્રદેશમાં ‘પદ્માવત’ પ્રતિબંધિત
