‘જજ લોયાનું ભેદી મૃત્યુ ગંભીર મામલો’

‘જજ લોયાનું ભેદી મૃત્યુ ગંભીર મામલો’
સોહરાબ કેસની સુનાવણી કરતા જજના મોત અંગે સુપ્રીમે મહારાષ્ટ્ર સરકાર પાસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માગ્યો
નવી દિલ્હી, તા. 12 : સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટરની સુનાવણી કરતા સીબીઆઈના ખાસ ન્યાયાધીશ બી.એચ. લોયાના કથિત રહસ્યમય મૃત્યુને ગંભીર મામલો માન્યો છે અને તેની સ્વતંત્ર તપાસની માંગ સાથેની અરજીઓ પરથી મહારાષ્ટ્ર સરકારનો જવાબ માગ્યો હતો.
આજે આ બાબતની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તેની એકપક્ષીય સુનાવણીને બદલે દ્વિપક્ષીય સુનાવણીની જરૂર છે. ન્યાયાધીશ અરુણ મિશ્રા અને ન્યાયાધીશ એમ.એસ. શાંતાનાગૌદરની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારના ધારાશાત્રી નિશાંત આર. કટનેશ્વરકરને 1પ જાન્યુઆરી સુધી જવાબ દાખલ કરવા જણાવ્યું છે.  સુનાવણીના આરંભે બોમ્બે લોયર્સ એસોસીએશનનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટ આ સંદર્ભમાં સુનાવણી કરી રહી છે ત્યારે સુપ્રીમે અરજીઓની સુનાવણી કરવી જોઈએ નહીં. જો તે સુનાવણી કરશે તો વડી અદાલત માટે ગૂંચવાડાની સ્થિતિ સર્જાશે. જો કે, સુપ્રીમે કહ્યું હતું કે, આ મામલો ગંભીર છે અને મહારાષ્ટ્ર સરકાર પાસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ માગ્યો હતો.
અરજીકર્તા કોંગ્રેસ નેતા તહેસીન પુનાવાલા વતી ઉપસ્થિત ધારાશાત્રી વરીંદર કુમાર શર્માએ કહ્યું હતું કે, ડિસેમ્બર 2014માં એક ન્યાયાધીશનું રહસ્યમય મોત થયું હોવાનો મામલો હોવાથી તેની તપાસ થવી જોઈએ.
ન્યાયાધીશ લોયાનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું કહેવાય છે. તેમની બહેને તેમના મોતને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ સાથે જોડાયેલા હોવાની પરિસ્થિતિ સાથે સાંકળ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer