ઈસરોની સેન્ચુરી

ઈસરોની સેન્ચુરી
ભારતના 100મા સેટેલાઈટ સહિત 31 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સફળપણે મુકતું ઈસરો
શ્રીહરિકોટા, તા. 12 (પીટીઆઈ) : ઈસરોએ આજે ભારતનો 100મો ઉપગ્રહ લોન્ચ કરીને નવો ઈતિહાસ આલેખ્યો હતો. અહીંના પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી) સી-40 પરથી ઈસરોએ પૃથ્વીના નિરીક્ષણ માટેનો અને પાકિસ્તાન સહિતના દુશ્મન દેશો પર નજર રાખી શકે એવા 710 કિલોગ્રામના કોર્ટોસેટ-2 સહિત ભારતના 3 તેમજ અન્ય દેશોના 28 ઉપગ્રહ એમ કુલ્લ 31 સેટેલાઈટ એક સાથે લોન્ચ કરીને વધુ એક કીર્તિમાન સ્થાપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઈસરોની ટીમને અભિનંદન આપ્યાં હતાં.  ઈસરોની સફળતાથી રઘવાયા બનેલા પાકિસ્તાને દાવો કર્યો હતો કે બેવડી પ્રકૃતિ સાથેના ઉપગ્રહથી પ્રાદેશિક સ્થિરતા પર નકારાત્મક અસર થશે.  ઈસરો દ્વારા ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક સાથે 104 સેટેલાઈટ મોકલવાનો વિક્રમ પણ સર્જવામાં આવ્યો હતો.
ઈસરો તરફથી પીએસએલવી સી-40 રોકેટ મારફતે આજે લોન્ચ કરવામાં આવેલા 31 સેટેલાઈટ પૈકી 28 વિદેશી ઉપગ્રહ છે. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. પીએસએલવી સી-40 મારફતે કુલ્લ 1323 કિલોના સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટોસેટ-રનું વજન 710 કિલોગ્રામ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બાકીના 30 સેટેલાઈટનું વજન 613 કિલો હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન અથવા તો ઈસરો દ્વારા પીએસએલવી સી-40 કોર્ટોસેટ-ર સેટેલાઈટ મિશન માટે કાઉન્ટડાઉનની શરૂઆત કરવામાં આવી હતી. 28 કલાક સુધી કાઉન્ટડાઉન ચાલ્યું હતું. ગઈકાલે સવારે 5.29 વાગ્યે કાઉન્ટડાઉનની શરૂઆત થઈ હતી. ઈસરોની વેબસાઈટ ઉપર આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. મિશન રેડીનેસ રિવ્યૂ કમિટી અને લોન્ચ ઓથોરાઈઝેશન બોર્ડ દ્વારા બુધવારના દિવસે કાઉન્ટડાઉનને મંજૂરી આપવામાં આવ્યા બાદ આ કાઉન્ટડાઉન શરૂ થયું હતું.
અત્રે નોંધનીય છે કે 31મી ઓગસ્ટ-2017ના દિવસે તેના અગાઉના પીએસએલવી મિશનને નિષ્ફળતા મળી હતી. ઈસરો અને એટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થયેલી વ્યાપારી સમજૂતી હેઠળ 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
નવી દિલ્હી, તા. 12 : ભારતે આજે ઉપગ્રહો લોન્ચ કરવાની સદી ફટકારીને ઈતિહાસ બનાવ્યો છે. બીજી તરફ ભારતની સફળતા આંખમાં ખુચતા પાકિસ્તાને વિરોધ ઉઠાવ્યો છે.પાકિસ્તાને આક્ષેપ કર્યો છે કે, ભારતે અસૈન્ય ઉપગ્રહ લોન્ચ કર્યો છે પણ તેનો સેના ઉપયોગ કરવા માટે સક્ષમ છે. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે, બેવડી પ્રકૃતિ ધરાવતા ઉપગ્રહોને કારણે સામરિક સ્થિરતા ઉપર નકારાત્મક અસર જોવા મળશે. પાક. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલના કહેવા પ્રમાણે ભારતે છોડેલા ઉપગ્રહ બેવડી પ્રકૃતિ ધરાવે છે અને તેનો ભારતની સેના પણ ઉપયોગ કરી શકે છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer