ન્યાયતંત્રમાં ‘સુપ્રીમ’ સંકટ

ન્યાયતંત્રમાં ‘સુપ્રીમ’ સંકટ
સુપ્રીમ કોર્ટ સંરક્ષિત નહીં રહે તો લોકતંત્ર જોખમાશે
 
સર્વોચ્ચ અદાલતનાં ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ અભૂતપૂર્વ ઘટનાક્રમમાં પત્રકાર પરિષદ યોજી ચીફ જસ્ટીસ સામે આક્ષેપો કરતાં ખળભળાટ
 
- સુપ્રીમ કોર્ટમાં બધુ બરાબર ચાલતું નથી: સીજેઆઈ સામે મહાભિયોગ મુદ્દે કહ્યું, દેશ ફેંસલો કરશે
- ભવિષ્યમાં કોઈ કહે નહીં કે અમે આત્મા વેંચી
 
દીધો હતો એટલે પત્રકાર પરિષદ યોજી:
ચાર જજે આ પગલાં માટે દુ:ખ પણ દર્શાવ્યું
 
નવીદિલ્હી,તા.12: ભારતીય ન્યાયતંત્રનાં એક અભૂતપુર્વ અને ચક્રવાત સર્જતા ઘટનાક્રમમાં આજે સર્વોચ્ચ અદાલતનાં ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ પહેલીવાર મીડિયા સમક્ષ આવીને પત્રકાર પરિષદ યોજી દેશનાં પ્રમુખ ન્યાયાધીશ (ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા-સીજેઆઈ) સામે વિદ્રોહી સૂર છેડતાં પત્રકાર પરિષદ યોજીને ખળભળાટ મચાવતાં કથનમાં કહ્યું હતું કે, દેશની સુપ્રીમ કોર્ટમાં બધું નિયમિત નથી અને અનપેક્ષિત પણ છે. જો આ સંસ્થાને સંરક્ષિત રાખવામાં નહીં આવે તો રાષ્ટ્રનું લોકતંત્ર જોખમાઈ શકે તેમ છે. ચારેય જજ સીજેઆઈ સામે મહાભિયોગ ચાલે તેવું ઈચ્છે છે કે કેમ? તેવા સવાલનાં જવામાં કહેવામાં આવ્યું હતું કે હવે દેશ નક્કી કરશે. ભુકંપ સર્જતી આ પત્રકાર પરિષદ બાદ સીજેઆઈએ એટર્ની જનરલને બોલાવીને એક બેઠક પણ યોજી હોવાનું જાણવા મળે છે.
સીજેઆઈ પછી સુપ્રીમ કોર્ટનાં બીજા સૌથી સિનિયર જજ જે ચેલમેશ્વર, જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ મદન લોકુર અને જસ્ટીસ કુરિયન જોસેફે આજે સનસનાટી મચાવતી અનોખી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આમાં ન્યાયધીશ ચેલમેશ્વરે કહ્યું હતું કે છેલ્લા કેટલાંક માસ દરમિયાન સર્વોચ્ચ અદાલતનાં વહિવટી કામોમાં બધુ જ નિયમિત ધોરણે ચાલ્યું નથી અને ઈચ્છિત કરતાં ઘણું ઉતરતું રહ્યું છે. જો સર્વોચ્ચ અદાલતને જાળવવામાં નહીં આવે તો દેશની લોકશાહી જોખમમાં મુકાઈ જશે. તેમણે આગળ જણાવ્યું હતું કે આજે સવારે જ તેઓ સીજેઆઈ દીપક મિશ્રાને મળ્યા હતાં અને ન્યાયતંત્ર સંબંધિત આ ચિંતાઓ વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે આ પ્રકારે પત્રકાર પરિષદ યોજવી પડી એ પણ પીડાદાયક છે.
જસ્ટીસ ચેલમેશ્વરનાં નિવાસે યોજાયેલી પત્રકાર પરિષદમાં આગળ જણાવવામાં આવ્યું હતું કે ઉપસ્થિત ચારેય ન્યાયાધિશોએ સાથે મળીને થોડા સમય પૂર્વે સીજેઆઈ દીપક મિશ્રાને પત્ર લખીને પણ આ મુદ્દાઓ ઉઠાવ્યા હતાં. પરંતુ આ પ્રયાસો નિષ્ફળ બની રહ્યા. આગળ કહેવામાં આવ્યું કે તેઓ ચારેય જજને ખાતરી છે કે તાજેતરમાં બનેલા ઘટનાક્રમોમાં લોકતંત્ર તાસક પર મુકાયું છે.
જ્યારે ન્યાયમૂર્તિઓને પૂછવામાં આવ્યું કે કઈ બાબતમાં આવું બન્યું છે ત્યારે જણાવવામાં આવ્યું કે સીજેઆઈ દ્વારા કેસોની ફાળવણીમાં આવું થયું છે. સોહરાબુદ્દીન શેખનાં એનકાઉન્ટર કેસની સુનાવણી કરતાં વિશેષ સીબીઆઈ જજ બી.એચ.લોયાનાં કથિત રહસ્યમય મૃત્યુનો મામલો આજે જ સુપ્રીમ કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે ત્યારે ચારેય જજોનાં આજનાં આક્ષેપો વધુ સંવેદનશીલ બની રહે છે. જ્યારે પત્રકારો દ્વારા પુછવામાં આવ્યું કે સીજેઆઈને પાઠવવામાં આવેલો પત્ર જજ લોયાનાં મૃત્યુ સંબંધિત કેસ બાબતે હતો? ત્યારે જજ ગોગોઈએ હકાર આપ્યો હતો.
જસ્ટીસ ચેલમેશ્વરે કહ્યું હતું કે અમે ન્યાયતંત્ર અને રાષ્ટ્રનાં ઉત્તરદાયી છીએ. ન્યાયતંત્રની રક્ષા કાજે પગલાં માટે સીજેઆઈને મનાવવા માટેનાં પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે આ ભારત અને ખાસ કરીને ન્યાયતંત્રનાં ઈતિહાસમાં આવી પત્રકાર પરિષદ યોજવી એ અસાધારણ બની જાય છે. શું સીજેઆઈ સામે મહાભિયોગ ચાલે તેવું ચારેય જજ ઈચ્છી રહ્યા છે? આવા સવાલનાં જવાબમાં જજ ચેલમેશ્વરે કહ્યું હતું કે, તેમનાં મૂખમાં શબ્દો મુકવાનાં પ્રયાસો ન થવા જોઈએ. હવે દેશે નક્કી કરવાનું છે.
આ પ્રકારે પત્રકાર પરિષદ યોજવાનું કારણ પુછવામાં આવ્યું ત્યારે ચારેય જજ વતી જસ્ટીસ ચેલમેશ્વરે કહ્યું હતું કે આજથી 20 વર્ષ બાદ કોઈ જાગરુક માણસ એવું ન કહેવો જોઈએ કે અમે ચારેય જજે અમારો આત્મા વેંચી દીધો હતો અને બંધારણ મુજબ વર્ત્યા ન હતાં. આ પત્રકાર પરિષદ બાદ સીજેઆઈ દીપક મિશ્રાએ એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલ સાથે બેઠક યોજી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
 
સુપ્રીમના તમામ જજો એકસમાન: ચીફ જસ્ટીસ
આજે વિવાદ ઉકેલાઈ જવાની આશા બતાવતા એટર્ની જનરલ
ચાર જજોના ગંભીર આક્ષેપો બાદ સુત્રોના હવાલેથી સમાચાર મળ્યા હતા કે, મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રાના કહેવા પ્રમાણે સુપ્રીમ કોર્ટના તમામ જજો એકસમાન છે અને કેસોની વહેંચણી યોગ્ય ઢબે જ કરવામાં આવે છે.  બીજી તરફ આ વિવાદ મામલે એટર્ની જનરલે આશા વ્યક્ત કરી છે કે, આવતીકાલ સુધીમાં ન્યાયાધિશો વચ્ચના વિવાદનું નિરાકરણ થઈ જશે. એટર્ની જનરલ વેણુગોપાલ રાવે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશો સાથે મળીને મતભેદો દુર કરી લેશે. આવતીકાલે સુપ્રીમના તમામ જજોની બેઠક બોલાવાય તેવી શકયતા છે.
 
ન્યાયાધીશકુરિયન જોસેફ
30 નવેમ્બર 1953ના રોજ જન્મેલા કુરીયન બે વખત કેરળ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ રહી ચૂકયા છે. તેઓ 2013માં હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને 8 માર્ચ 2013ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા હતા.
ન્યાયાધીશ ચેલામેશ્વર
23 જૂન 1953ના રોજ આંધ્રપ્રદેશમાં જન્મેલા ચેલામેશ્વર 1997માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં
જજ બન્યા હતા. 2007માં ગુવાહાટી હાઈકોર્ટના અને  2010માં કેરળ હાઈકોર્ટના મુંખ્ય ન્યાયાધીશ તરીકેની જવાબદારી સંભાળી હતી. 20 ઓક્ટોબર 2011ના રોજ તેઓને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા.
 
ન્યાયાધીશ રંજન ગોગોઈ
18 નવેમ્બર 1954ંના જન્મેલા ગોગોઈએ ગુવાહાટી કોર્ટમાં જ વકીલાતની સૌથી વધારે પ્રેક્ટિસ કરી હતી. 2001માં ગુવાહાટી કોર્ટના મુખ્ય જજ બન્યા બાદ તેઓની બદલી પંજાબ અને હરીયાણા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. ત્યારબાદ 23 એપ્રીલ 2012ના રોજ ગોગોઈએ સુપ્રીમ કોર્ટમા ન્યાયાધીશનું કામ સંભાળ્યું  હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer