મંજૂરી વગર સભા અને ઉશ્કેરણી જનક ભાષણ બદલ હાર્દિક સામે ફરિયાદ

સિદ્ધપુર અને લણવા ગામની સભા અંગે વધુ બે ફરિયાદ થઇ
અમદાવાદ, તા.12 : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. તેના પર એક પછી એક ફરિયાદો દાખલ થઇ રહી છે. ગુજરાતની ચૂંટણી પૂરી થઇ તેવી તેના પર ફરિયાદો થવાનો મારો ચાલુ થઇ ગયો છે. આ ફરિયાદોમાં વધુ 2 ફરિયાદોનો ઉમેરો થયો છે. આ બન્ને ફરિયાદ પાટણ જિલ્લાના સિદ્ધપુર અને લણવા ખાતે નોંધવામાં આવી હતી.
સિદ્ધપુર અને લણવા ખાતે ગુજરાતની ચૂંટણી અગાઉ હાર્દિક પટેલ દ્વારા સભા કરવામાં આવી હતી. જે અંતર્ગત તંત્રની પરવાનગીની શરતભંગ બદલ આઇપીસીની કલમ 188 અને 144 મુજબ તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ એક મહિના પછી સિદ્ધપુર અને ચાણસ્મા પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુરના ગાગલાસણ રોડ ખાતે 10 ડિસેમ્બરના રોજ પાટીદાર સમાજની જાહેર સભા કરવા માટે મંજૂરી મેળવવામાં આવી હતી પરંતુ હાર્દિકે સાંજે 4-6 કલાક સુધી સભાનું સંબોદન કરીને મેળવેલી પરવાનગીની શરતોનો ભંગ કર્યો હતો. આ ફરિયાદ હરીશ ગોરે દ્વારા નોંધાવવામાં આવી હતી. જેની તપાસ પીએસઆઇ વી.એસ.ચૌહાણ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી બાજુ ચાણસ્મા તાલુકાના લણવા ખાતે પણ 10 ડિસેમ્બરના રોજ  સાંજે 7-9 કલાક સુધી સભા કરવામાં આવી હતી, તેમાં શાંતિનો ભંગ થાય તેવું ભાષણ હાર્દિક દ્વારા કરવામાં આવ્યું હતું, જેની ફરિયાદ નોંધવામાં આવી હતી.
 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer