હળવદની હોસ્ટેલના ગૃહપતિએ ત્રણ કિશોરને ધોકાવ્યા

હળવદની હોસ્ટેલના ગૃહપતિએ ત્રણ કિશોરને ધોકાવ્યા
માર્ક કેમ ઓછા આવ્યાનું કહીને વિદ્યાર્થીઓને ઝુડી નાખ્યા’તાં: પોલીસ તપાસ શરૂ
 
હળવદ, તા. 12: હળવદની સરદાર પટેલ વિદ્યાલયની હોસ્ટેલના ત્રણ વિદ્યાર્થીઓને ગૃહપતિએ બેફામ માર માર્યો હતો. માર્ક કેમ ઓછા આવ્યાનુ કહીને ધોકાવાયા હતાં. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી.
હળવદની સરદાર પટેલ વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતાં 14 વર્ષના રાજુ માકાસણા, ચીરાગ ચડાસણિયા અને કેવલ ચડાસણિયાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પોલીસની પુછપરછ અને તપાસમાં આ ત્રણેય વિદ્યાર્થીને હોસ્ટેલના ગૃહપતિએ બેફામ માર મારતા ઇજા થયાનું ખુલ્યું હતું.  ત્રણ દિવસ પહેલા પરીક્ષામાં ઓછા માર્ક શા માટે આવ્યા તેવું કહીને વિદ્યાર્થીઓને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો. પરંતુ વગદાર સંચાલકોએ મામલાને શામ, દામ, દંડ અને ભેદની નીતિથી દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સંચાલકો દ્વારા વાલીઓને અમારૂં કોઇ કાંઇ બગાડી નહી લે તેવા મતલબની ધમકીઓ પણ આપવામાં આવતી હતી. બીજી તરફ માર પડવાના કારણે ઘવાયેલા રાજુ, ચીરાગ અને કેવલને અસહ્ય દુ:ખાવો થતાં એ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી અને તેના કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. હળવદના ઇન્ચાર્જ પીઆઇ વાઢિયા અને તેની ટીમે વાલીઓ અને બાળકોને સાથે રાખીને શાળા અને હોસ્ટેલમાં તપાસ શરૂ કરી છે તેમજ ગૃહપતિ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer