ગાંધીજી હત્યાકેસની ફેરતપાસ: સ્થાન અને વિલંબ અંગે અરજદારને સુપ્રીમના સવાલ

ગાંધીજી હત્યાકેસની ફેરતપાસ: સ્થાન  અને વિલંબ અંગે અરજદારને સુપ્રીમના સવાલ
નવી દિલ્હી, તા. 12:  ગાંધીજીની હત્યાના કેસની ફેરતપાસ માગતા અરજદાર સમક્ષ સર્વોચ્ચ અદાલતે આજે માર્મિક સવાલો મૂકયા હતા અને તાકીદ કરી હતી કે આ મુદ્દો ઉઠાવવામાં રહેલા તમારા સ્થાન (લોકસ સ્ટેન્ડાઈ) અને આટલા વર્ષના વિલંબના પાસા વિશે અદાલત સમક્ષ સંતોષકારક રજૂઆત કરો. રીસર્ચર અને અભિનવ ભારતના ટ્રસ્ટી એવા મુંબઈ સ્થિત ડો.પંકજ ફડનીસની અરજી સાંભળી રહેલી અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે તે કાયદા મુજબ જ ચાલશે, કેસમાં સંકળાયેલી વ્યક્તિના દરજ્જા મુજબ નહીં. અદાલતી બેન્ચે અરજદારને અનુલક્ષી નિરીક્ષણ કર્યું હતું કે વ્યક્તિની મહાનતામાં તણાઈ ન જાઓ,  સવાલ અહીં કોઈ પુરાવા ઉપલબ્ધ છે કે નહીં તેને લગતો છે. અદાલતી બેન્ચે અરજદારને જણાવ્યું હતું કે કેટલાક અતિ મહત્ત્વના મુદ્દાઓના જવાબ આપવાના રહેશે: એક આટલો વિલંબ, બીજું તમારુ સ્થાન અને ત્રીજુ એ તથ્ય કે વિલંબના કારણે બનાવને લગતી દરેક કડી ખોવાઈ જ ગઇ હોય તેમ જ કેસ સંબંધિત લગભગ તમામ સાહેદો અવસાન પામી ચૂકયા છે. કેસની તપાસમાં સહાયક રહેલા કોર્ટ મિત્ર (એમીકસ કયુરી)  સીનિયર એડવોકેટ અમરેન્દ્રશરણ તો,ં આ હત્યાની ફેરતપાસની જરૂર નથી અને હત્યા પાછળનું કાવતરું અને હત્યારો નથુરામ ગોડસે હોવાનું સુસ્થાપિત થઈ ચૂકયું છે એમ તેમના રિપોર્ટમાં જણાવી ચૂકયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer