17મીએ ગુજરાતના મહેમાન બનશે વડાપ્રધાન મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ

17મીએ ગુજરાતના મહેમાન બનશે વડાપ્રધાન મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ
અમદાવાદ, તા.12 :  (ફૂલછાબ ન્યુઝ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ આગામી 17મી જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે.બન્ને મહાનુભાવોની આગતા-સ્વાગતા તેમજ સલામતિની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 17મીએ સવારે તેઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. અમદાવાદ એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધી 9 કિલોમીટરના આ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ સંયુક્ત રોડ શો કરશે. આ રોડ શો દરમિયાન ગુજરાતની ભાતીગળ સંસ્કૃત્તિના દર્શન કરાવતા વિવિધ 50 સ્ટેજ તૈયાર કરાવાયા છે. 17મીએ બપોરે 1 વાગ્યે બન્ને વડાપ્રધાન બાવળા આઇ-ક્રીએટ સેન્ટર જશે જ્યાં ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બન્ને વડાપ્રધાનોનો ભોજન સમારંભ છે. બન્ને વડાપ્રધાન બપોર પછી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે સ્થપાયેલા શાકભાજી સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત લેશે.  લગભગ 10 હેકટરમાં પથરાયેલા આ નવા સ્થપાયેલા સેન્ટરમાં હાઇટેક નર્સરી વિકસાઇ છે. આવું જ એક બીજુ સેન્ટર ખારેકની ખેતી માટે કચ્છમાં ભુજ તાલુકાના હુકમા ગામે ઉભું થયું છે, જેનું ઉદ્દઘાટન પણ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ રિમોટ કંટ્રોલથી કરશે. કચ્છમાં લીલી ખારેકનું વિપુલ ઉત્પાદન થઇ રહ્યું છે પરંતુ આ ખારેકને સૂકી ખારેકમાં કન્વર્ટ કરવાની ટેકનોલોજી આપણી પાસે નથી, ઇઝરાયલ પાસેથી ટેકનોલોજી મેળવવા માટે આ મુલાકાત સમયે કરાર કરવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer