બજેટ પહેલા સરકારને ઝટકો: મોંઘવારી 5.21 %

બજેટ પહેલા સરકારને ઝટકો: મોંઘવારી 5.21 %
ઔદ્યોગિક ઉત્પાદન આંક નોંધપાત્ર ઉછાળા સાથે 8.4 ટકા થતા થોડી રાહત
મુંબઈ, તા. 12 : કેન્દ્રીય સ્ટેટેસ્ટિક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે મોંઘવારીના મુદ્દે સરકારને ફટકો પડયો છે. આંકડાકિય વિગતો પ્રમાણે નવેમ્બરમાં 4.88 ટકાની સરખામણીએ છૂટક મોંઘવારી ડિસેમ્બર મહિનામાં 5.21 ટકાએ પહોંચી છે. મોંઘવારીનો દર અત્યારે 17 મહિનાની ટોચ ઉપર પહોંચ્યો છે. તેવામાં આગામી મહિનાઓમાં પણ મોંઘવારીમાં વૃધ્ધિ થશે તો આરબીઆઈને બેંક દરોમાં ફેરફાર કરવાની ફરજ પડશે. મોંઘવારી દર ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદન દરમાં નોંઘપાત્ર રીતે વધારો થતા 8.4 ટકાએ પહોંચતા સરકારને થોડી રાહત મળી છે.
નવેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં જોરદાર ઉછાળો આવ્યો છે. આ દર 2.2 ટકાથી વધીને 8.4 ટકા સુધી પહોંચ્યો છે. આ અગાઉ 2017ના જાન્યુઆરી મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં  5.1 ટકાની વૃધ્ધિ નોંધાઈ હતી.  મોંઘવારી નવેમ્બરના 4.88 ટકાની સરખામણીએ વધીને ડિસેમ્બર મહિનામાં 5.21 ટકાએ પહોંચી છે. મોંઘવારી 17 મહિનાની ટોચ ઉપર પહોંચી છે. જેમાં ખાદ્ય પદાર્થો, ઈંડા, શાકભાજી અને ફળોની કિંમતમાં નોંઘપાત્ર વધારો થયો છે.ખાદ્ય પદાર્થોની મોંઘવારી 4.42 ટકાથી વધીને 4.96 ટકા થઈ છે. મોંઘવારીમાં વૃધ્ધિને કારણે વ્યાજદોરમાં કાપની આશા પણ ઓછી થઈ છે. આ અગાઉ નવેમ્બર મહિનાના આર્થિક આંકડાઓએ પણ સરકારને નિરાશ કરી હતી. તાજા આંકડા પ્રમાણે દર મહિનાની ગણતરી કરવામાં આવે તો દાળમાં મોંઘવારીનો દર -23.53 ટકાની સરખામણીએ -23.47 ટકા છે. ડિસેમ્બર મહિનામાં શાકભાજીમાં મોંઘવારી દર 22.48 ટકાથી વધીને 29.13 ટકા થયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer