અન્ડર-19 વર્લ્ડ કપનો આજથી ન્યુઝીલેન્ડમાં પ્રારંભ

અન્ડર-19 વર્લ્ડ કપનો આજથી ન્યુઝીલેન્ડમાં પ્રારંભ
16 ટીમ વચ્ચે ટક્કર : પૃથ્વી શોના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ 2012 બાદ ખિતાબ જીતવા આતુર : ભારતની પહેલા મેચમાં કાલે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
ક્રાઇસ્ટચર્ચ, તા.12 : ન્યુઝીલેન્ડની ધરતી પર આવતીકાલ શનિવારથી અન્ડર-19 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. રેકોર્ડ ત્રીજીવાર અન્ડર-19 વર્લ્ડ કપનું યજમાન પદ સંભાળી રહેલ ન્યુઝીલેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં કયારે પણ ચેમ્પિયન બની નથી. આથી તેની નજર ઘરઆંગણાનો લાભ લઇને પહેલો ખિતાબ જીતવા પર રહેશે. જ્યારે પ્રતિભાશાળી યુવા બેટધર પૃથ્વી શોના સુકાનીપદ હેઠળની યુવા ભારતીય ટીમ ચોથીવાર વિજેતા બનવા મેદાને પડશે. ભારત અન્ડર-19માં ત્રણ વખત ચેમ્પિયન રહી ચૂકયું છે. છેલ્લે તે 2012માં વિજેતા બન્યું હતું. ખિતાબની દોડમાં ટેસ્ટ ક્રિકેટ રમનાર તમામ 10 દેશ ઉપરાંત
નામિબીયા, પાપુઆ ન્યૂ ગિની, કેન્યા, કેનેડા, અફઘાનિસ્તાન અને આયરલેન્ડની ટીમ છે. તમામ ટીમને ચાર-ચારના ગ્રુપમાં રાખવામાં આવી છે. ગ્રુપ તબકકામાં તમામ ટીમને ત્રણ-ત્રણ લીગ મેચ રમવાના રહેશે. વર્તમાન ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝની ટીમ ગ્રુપ એમાં છે. તો ભારતની ટીમ ગ્રુપ બીમાં છે. ઉદઘાટન મેચ ગૃહ ટીમ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાશે. આ ઉપરાંત બીજા ત્રણ મેચ પણ પહેલા દિવસે રમાશે. ગ્રુપ તબકકાના મેચની સમાપ્તિ બાદ દરેક ગ્રુપની 2-2 ટીમ સુપર લીગ રાઉન્ડમાં પહોંચશે. સુપર લીગમાંથી આગળ વધનારી ટીમો કવાર્ટર ફાઇનલ, સેમિ ફાઇનલ અને છેલ્લે બે ટીમ ફાઇનલ રમશે. આ ઉપરાંત પાંચમા સ્થાનથી લઇને 16મા સ્થાન સુધીના પ્લેઓફ મેચ પણ રમાશે. ભારતીય ટીમ તેનો પહેલો મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6-30થી શરૂ થશે. બીજા મેચમાં ભારતની ટક્કર 16મીએ પાપુઆ ન્યૂ ગિની સામે થશે. જ્યારે 19મીએ ઝિમ્બાબ્વે સામે ત્રીજો લીગ મેચ રમશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer