શ્રેણી જીવંત રાખવા ભારત માટે કરો યા મરો

શ્રેણી જીવંત રાખવા ભારત માટે કરો યા મરો
આજથી દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ સેન્ચૂરિયનમાં બીજા ટેસ્ટનો પ્રારંભ
સેન્ચૂરિયન, તા.12: દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ આવતીકાલ શનિવારથી અહીં શરૂ થતો બીજો ટેસ્ટ ટીમ ઇન્ડિયા માટે કરો યા મરો સમાન બની રહેશે. પહેલા ટેસ્ટમાં કોહલીસેના કેપટાઉનની ઉછાળવાળી પિચ પર 72 રને હારી હતી. આથી ત્રણ ટેસ્ટની શ્રેણી જીવંત રાખવા ભારત માટે બીજો ટેસ્ટ જીતવો આથવા બચાવવો જરૂરી છે. સેન્ચૂરિયનની પિચ પર ઝડપી અને ઉછાળવાળી હોવાથી ટીમ ઇન્ડિયાના બેટસમેનોએ સંભાળીને રમવું પડશે અને રન કરવા પડશે. સતત 9 શ્રેણી જીતનાર નંબર વન ટીમ ઇન્ડિયા માટે બીજો ટેસ્ટ અગ્નિપરીક્ષા સમાન બની રહેશે. બીજી તરફ આફ્રિકાની ટીમ તેની પેસબેટરીના સહારે ભારતને બીજા ટેસ્ટમાં પણ હાર આપીને શ્રેણી કબજે કરવા મેદાને પડશે.
ભારતીય ટીમ બીજો અને ત્રીજો ટેસ્ટ હારી જશે તો પણ તેના ટોચના ક્રમાંકને અસર થશે નહીં, પણ કોહલીની ટીમ પર લેબલ લાગી જશે કે દેશમાં હિરો અને વિદેશમાં ઝીરો. આથી બીજા ટેસ્ટની પ્લેઇંગ ઈલેવનની પસંદગી કોચ શાત્રી અને કેપ્ટન કોહલી ફૂંકી ફૂંકીને કરશે.  જોવાનું એ રહેશે બે ભારતનો બેટિંગ ક્રમ શું રહે છે. રિપોર્ટ અનુસાર શિખર ધવન અને રોહિત શર્માના સ્થાને કેએલ રાહુલ અને અંજિકયા રહાણેનો ભારતની ટીમમાં સમાવેશ થવાની પૂરી વકી છે. ભારતના બોલિંગ આક્રમણમાં ફેરફારની શકયતા ઓછી છે. આથી ફરી એકવાર ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાને બહાર બેસવું પડશે. જો કે જાડેજા તાવની બીમારીમાંથી સંપૂર્ણ બહાર આવી ગયો છે, પણ આફ્રિકાની હાલતમાં તે ટીમ કોમ્બીનેશનમાં ફિટ બેસતો નથી.
જ્યારે આફ્રિકાની ટીમમાં ઇજાગ્રસ્ત ડેલ સ્ટેનના સ્થાને ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને તક મળી શકે છે. મોરિસ ઉપયોગી બેટસમેન પણ છે. આફ્રિકાની રણનીતિ ઉછાળવાળી પિચ પર ભારતીય બેટધરો પર શોર્ટ પિચ બોલથી સતત હુમલા કરવાની છે. તેની આ રણનીતિ કેપટાઉનમાં કારગત સાબિત થઇ હતી. આથી સેન્ચૂરિયનમાં ભારતીય ટીમે આ માટે તૈયાર રહેવું પડશે. આફ્રિકાના કોચ ઓટિસ ગિબ્સને સ્પષ્ટ કરી દીધું છે કે સેન્ચૂરિયનની વિકેટ પણ ઝડપી બોલરોને મદદકર્તા રહેશે. જો કે આફ્રિકી ઓપનર માર્કરમનું માનવું છે કે અહીંની વિકેટ બેટધરો માટે પણ સારી છે. તેનું કહેવું છે કે જો અહીં પગ જમાવી દઇએ તો ભરપૂર રન બની શકે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer