ફૂલછાબ- નવરંગ નેચર ક્લબ દ્વારા થોરાળામાં પ્રકૃતિ અનુભૂતિ શિબિર

ફૂલછાબ- નવરંગ નેચર ક્લબ દ્વારા થોરાળામાં પ્રકૃતિ અનુભૂતિ શિબિર

રાજકોટ: ફૂલછાબ- નવરંગ નેચર ક્લબ દ્વારા વન ચેતના કેન્દ્ર થોરાળા વીડીમાં વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિ અનુભૂતિ શિબિર ચાલી રહી છે. તા.4થી ચાલુ થયેલી શિબિર તા.20 સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે થોરાળા વીડી આજી ડેમ- 1ની દક્ષિણે આવેલી છે. ત્રણ બાજુ પાણી અને એક બાજુ જંગલ છે. શાંત અને રમણીય સ્થળ છે. પક્ષીઓથી હર્યોભર્યો વિસ્તાર છે. વીડીની માલિકી વનવિભાગ રાજકોટની છે. એક દિવસ અને એક રાતની શિબિરમાં વિદ્યાર્થીઓ પોતાનું સાંજનું ટિફિન સાથે લાવે છે. વન વિભાગ દ્વારા શિબિર માટે આ સ્થળ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યું છે. શિબિરમાં વિદ્યાર્થીઓ બપોરે 3 વાગ્યે આવે છે. બીજા દિવસે સવારે 11 વાગ્યે વિદાય લે છે એક શિબિરમાં 60 વિદ્યાર્થીઓની સાથે 4 શિક્ષકો હોય છે. શિબિરમાં વિદ્યાર્થી દીઠ માત્ર રૂ.20 ફી લેવામાં આવે છે.

શિબિરમાં પક્ષીદર્શનમાં પાણી કાંઠાનાં પક્ષીઓ, કંટક વનનાં પક્ષીઓના કદ, રંગ બતાવી ઓળખ આપવામાં આવે છે. પક્ષીઓ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે તેની સમજૂતી આપવામાં આવે છે. વનપરિભ્રમણમાં વનસ્પતિ દર્શન કરાવવામાં આવે છે. વૃક્ષને કઈ રીતે ઓળખી શકાય, વનસ્પતિના વિવિધ રંગ વગેરેની માહિતી આપવામાં આવે છે. રાત્રે નરી આંખે આકાશ દર્શનમાં એક કિ.મી. બેટરી વગર વિદ્યાર્થીઓને ચલાવવામાં આવે છે. નદી કઈ રીતે પાર કરી શકાય તે માટે કમાન્ડો બ્રીજનું આયોજન હોય છે. દરરોજ રાત્રે પર્યાવરણ નિષ્ણાતને બોલાવી વાર્તાલાપ અને મુક્તચર્ચા કરવામાં આવે છે.
પાણીનો કરકસરભર્યો ઉપયોગ કઈ રીતે કરી શકાય ?, તહેવારોની ઉજણીમાં પર્યાવરણની જાળવણી કઈ રીતે રાખવી, ટ્રાફિકના નિયમોનું પાલન, વન્યજીવોનું રક્ષણ વગેરેની માહિતી, માર્ગદર્શન આપવામાં આવે છે. શિબિરમાં વિદ્યાર્થીઓને વન વગડાનું અવલોકન, સમજણ આપવામાં આવે છે.
ફૂલછાબ- નવરંગ નેચર ક્લબ આ વર્ષે કુલ 200 શિબિરનું અલગ અલગ વિસ્તારમાં આયોજન ટોકનદરે કરશે. શિબિરનો પ્રારંભ તા.4ના રોજ થયો ત્યારે અધ્યક્ષસ્થાને સાંદીપનિ રીના સ્કૂલના ઉર્વેશભાઈ પટેલ, અતિથિવિશેષપદે કપિલભાઈ પંડયા, નવરંગ નેચર ક્લબના નરેશભાઈ નકુમ ઉપસ્થિત રહ્યા હતા. દીપપ્રાગટય હંસરાજભાઈ ડેડાણિયાના હસ્તે કરાયું. શિબિરનું સંચાલન વી.ડી.બાલાના માર્ગદર્શન નીચે કરવામાં આવે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer