‘ગુપ્ત મિટિંગ’ મુદ્દે ફરી મનમોહને રોષ ઠાલવ્યો: અમિત શાહે જવાબ વાળ્યો

‘ગુપ્ત મિટિંગ’ મુદ્દે ફરી મનમોહને રોષ ઠાલવ્યો: અમિત શાહે જવાબ વાળ્યો
 સંસદ પર હુમલાની વરસીએ મોદી અને મનમોહન વચ્ચે થયેલી મુલાકાત અસહજ બની

નવીદિલ્હી,તા.13:  પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંઘને પાક સાથે સંતલસ કર્યાનો આક્ષેપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યાના ત્રણ જ દિવસ બાદ મોદીએ આજે સંસદની બહાર સંસદ ઉપર હુમલાની વરસીએ આજે સિંઘ સાથે હાથ મિલાવતાં તેઓને કફોડી દશામાં મૂકતો મેળમિલાપ થયો હશે!
આ મુલાકાત બાદ મનમોહન સિંઘે ચૂંટણીપ્રચારમાં વડાપ્રધાને કરેલા જૂઠા આરોપોથી પોતે વ્યથિત થયા હોવાનું કહીને આક્રોશ ઠાલવ્યો હતો અને મોદી માફી માગે તેવી માગણી દોહરાવી હતી. બીજીબાજુ મનમોહન સિંઘની આ માગણીનો જવાબ આપતાં ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે કોંગ્રેસનાં શાસનમાં ભ્રષ્ટાચાર થતો હતો ત્યારે ક્યા હતાં મનમોહન સિંઘ જ્યારે વડાપ્રધાન માટે નીચ જેવા અપશબ્દો વાપરવામાં આવ્યા ત્યારે કેમ તેમને આટલો ગુસ્સો કે વ્યથા અનુભવાઈ નહોતી.
ગુજરાતમાં ભાજપની હાર અંકે કરવા પાકના પૂર્વ મંત્રી અને રાજદ્વારીઓ સાથે સિંહ સહિત કોંગ્રેસી નેતાઓની ‘ગુપ્ત બેઠક’ યોજાઈ હતી એવો આક્ષેપ મોદીએ રવિવારે કર્યો હતે. સિંઘે પણ તેમની લાક્ષણિક ઢબથી વિપરીતપણે આપેલા તીવ્ર જવાબમાં, ગુમાવાતી દશામાં રાજકીય મુદ્દે સરસાઈ સાધી લેવા જુઠાણા ફેલાવવાનો આક્ષેપ વડા પ્રધાન પર કર્યો હતો.
’01માં સંસદ પરના આતંકી હુમલામાં જાન ગુમાવનારાઓને અંજલિ આપવા સંસદ ભણી પોતપોતાના માર્ગે જતી વેળા સંસદ બહાર બેઉ નેતાઓનો ભેટો થઈ ગયો હતો. આ તકે સંસદમાં ઉપસ્થિત કોંગ્રેસના પ્રમુખપદે નિયુકત રાહુલ ગાંધીએ કેન્દ્રિય મંત્રીઓ સુષ્મા સ્વરાજ અને રવિશંકર પ્રસાદ સાથે હળવી વાતોમાં જોડાયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer