બાબા અમરનાથની ગુફામાં મંત્રોચ્ચાર, ઘંટારવની મનાઈ

બાબા અમરનાથની ગુફામાં મંત્રોચ્ચાર, ઘંટારવની મનાઈ
નવી દિલ્હી તા. 13:  અમરનાથ યાત્રાના ભાવિકોને હવે પછી આ અમરનાથની ગુફામાં મંત્રોચ્ચાર કરવાની  કે જય જયકાર બોલવાની તેમ જ ગુફામાં ઘંટીઓ વગાડવાની પણ છુટ અપાય એમ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આજે અપાયેલા આદેશમાં ફરમાવાયું છે. ઉપરાંત ભાવિકો અંતિમ ચેકપોસ્ટ પછી આગળ ઉપર પોતાના મોબાઈલ કે સરસામાન પણ લઈ જઈ નહીં શકે એમ, અમરનાથ શ્રાઈન બોર્ડને આપેલા આદેશમાં એનજીટીએ ફરમાવ્યુ છે.  અમરનાથને સાયલન્સ ઝોન ઘોષિત કરવા સાથેનો આદેશ આપતા એનજીટીએ જણાવ્યુ છે કે આ વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ બેહદ સંવેદનશીલ છે. વળી આ વિસ્તારમાંની હિમનદીઓની સંવેદનશીલતા ધ્યાને લેતાં અહીં શોરબકોર થવો ન જોઈએ તેમ જ યાત્રિકોની સંખ્યા ય સીમિત હોવી જોઈએ. દરમિયાન ભાજપના દિલ્હી એકમના પ્રવકતા તેજીન્દરપાલ બગ્ગાએ એનજીટીના આ આદેશને હિન્દુવિરોધી એજન્ડા ગણાવ્યો છે. એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતું કે જો ત્યાં જઈને તમે મંત્રોચ્ચાર જ ન કરી શકો તો પછી એ યાત્રા કઈ રીતે થઈ ગણાય ? અમે અમરનાથ જઈશું અને મંત્રોચ્ચાર પણ કરીશું. જો તમને માઈક સામે વાંધો હોય તો પછી એક ધર્મના જ માઈક સામે વાંધો ન હોવો જોઈએ.
તાજેતરમાં એનજીટીએ શ્રાઈન બોર્ડને ઉંચકાવતા સવાલ કર્યા હતા કે ‘યાત્રિકોને આંતરમાળખાની સુવિધાઓ પૂરી પાડવા બોર્ડે શું કયુ ? ધર્મસ્થળ પાસેના માર્ગે તમે દુકાનો ખૂલવા દીધી. જાજરુઓની ય ઉચિત સુવિધા નથી,  મહિલાઓ માટે તે કારણે કેવી કફોડી દશા થાય છે તે જાણો છો ? યાત્રાળુઓ કરતા તમે વ્યાપારિક પ્રવૃત્તિઓને વધુ અગ્રતા આપો છે. આ ગેરવાજબી છે. ધર્મસ્થળની પવિત્રતા જળવાવી જોઈએ.’
ભાવિકો જેમાં પોતાનો સરસામાન જમા કરાવી શકે તેવો સ્ટોર રુમ બનાવવાનું ય બોર્ડે વિચારવું રહ્યું એવા અનુરોધ સાથે એનજીટીએ તાકીદ કરી છે કે આખરી ચેકપોસ્ટ પછીથી અમરનાથ ગુફા સુધી યાત્રિકો એક જ કતારમાં જાય તે અંકે કરવામાં આવે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer