બિટકોઈન એક્સ્ચેન્જ પર દેશવ્યાપી દરોડા

બિટકોઈન એક્સ્ચેન્જ પર દેશવ્યાપી દરોડા
નવી દિલ્હી, તા. 13 (પીટીઆઈ) : આવકવેરા વિભાગે આજે કથિતપણે કરચોરીની શંકાને પગલે દેશભરમાં બિટકોઈન એક્સ્ચેન્જ મથકો પર દરોડા પાડયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી, ખાસ કરીને નોટબંધી બાદ દેશમાં બિટકોઈનના ઉપયોગમાં ખાસ્સો વધારો નોંધાયો છે.
આજે વહેલી સવારથી જ આયકર ખાતાની વિવિધ ટીમોએ દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, કોચી અને ગુરુગ્રામમાં 9 એક્સ્ચેન્જ પર દરોડા પાડયા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, બિટકોઈનના રોકાણકારો, વ્યાપારીઓ અને તેમના દ્વારા થઈ રહેલા વ્યવહારો, જેમની સાથે વ્યવહારો થઈ રહ્યા છે એ પક્ષકારો, એ પૈકીનાં બેંક ખાતાઓ વગેરેના પુરાવા એકત્ર કરવા અને ચકાસણી કરવા આવકવેરા કાયદાની 133 (એ) તળે આ સર્વે કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે બિટકોઈનનો ભાવ ભારતમાં છેલ્લા કેટલાક સમયમાં વધીને દસ લાખ રૂપિયાને પાર થઈ ગયો છે. આ આભાસી ચલણના ભાવ આસમાને પહોંચી ગયા છે. ભારતમાં નોટબંધી બાદ બિટકોઈનનો ઉપયોગ ખૂબ વધ્યો છે. ભારતમાં તેના પર કોઈ નિયમન નથી અને એટલે જ તેમાં કાળાં નાણાંના રોકાણની શક્યતા છે. આરબીઆઈએ લોકોને બિટકોઈનના વ્યવહારોથી સાવચેત રહેવા જણાવ્યું છે પણ વધુ ને વધુ લોકો તેમાં આકર્ષાઈ રહ્યા છે, અને સરકાર સામે પણ સવાલો સર્જાયા હતા ત્યારે જ આજે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer